સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરોને પરત નોકરી પર લઇ ફરજ સોંપાઇ: આજથી જ કામગીરીનો પ્રારંભ
ડિઝિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન અને લોકોને ઝડપી સેવા આપવા માટે સરકાર દ્વારા ઓનલાઇન કામગીરીનો પ્રારંભ કરવા છતા પણ લોકોને આધાર કેન્દ્રો પર નિરાધાર બની કલાકો સુધી લાઇનમાં ઉભુ રહેવું પડી રહ્યું છે. મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો પર સોફટવેરના ધાંધીયા અને ઓપરેટરો નહી હોવાથી પ્રજાજનોને પરેશાની થતી હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટ અને વેસ્ટમાં બંધ કરાયેલા આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
રાજકોટ મનપા દ્વારા અરજદારોની મુશ્કેલી નિવારવા માટે ત્રણ ઝોનમાં કામગીરી વહેંચી નાખવાામં આવી છે. છતા પણ હજુ કામગીરીનો પ્રારંભ થયો હતો નહીં. મનપામાં છેલ્લા એક મહીનાથી વિવિધ દાખલા અને પ્રમાણપત્રો માટે અરજદારોને મનપા કચેરીમાં આવેલા આધાર કેન્દ્રો પર ધક્કા થઇ રહ્યા છે. ગેટ સુધી લાંબી લાઇનો લાગે છે અને કલાકો સુધી ઉભા રહેવા છતા પણ પોતાનો વારો નહીં આવતો હોય બીજા દિવસે ધક્કા ખાવા પડતા હોવાની ફરીયાદો ઉઠી રહી હતી.
મહાનગર પાલિકામાં સોફટવેરના સર્વરમાં યાંત્રીક ખામી અને ડાઉન થવું રોજીંદી ઘટના બની ગઇ છે. લાંબી લાઇન ન હોય તો સર્વર ડાઉન થઇ જાય છે અને સર્વર ઓકે હોય તો પણ અરજદારોનો નંબર આવતો નથી. ઓપરેટરોની અછતના કારણે કામગીરી ઝડપી થઇ શકતી નથી તેથી પણ કામગીરી અટકી પડી હોવાની ફરીયાદ થતા સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરોને પણ પરત ફરજ પર બોલાવી લેવામાં આવ્યા છે છતા પણ લાઇન ઓછી થવાનું નામ લેતી નથી અને લોકો હેરાન થઇ રહ્યા છે.
અરજદારોની વારંવારની ફરીયાદને ધ્યાને લેતા રાજકોટ મનપા દ્વારા ત્રણેય ઝોનમાં આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલા ઢેબરભાઇ રોડ પરના આંબેડકર ભવનના ગ્રાઉન્ડ ફલોર પર ઇસ્ટઝોનમાં ભાવનગર રોડ પર ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરીમાં અને વેસ્ટ ઝોનમાં 150 ફુટ રીંગ રોડ પર રિલાયન્સ મોલ પાસે હરિસિંહજી ગોહીલ વિભાગીય કચેરીમાં આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જેનો લાભ લેવા અરજદારોને મનપાએ અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આધાર કેન્દ્ર બાદ જન્મ-મરણ વિભાગમાં પણ સર્વર ડાઉન રહેતા લાંબી લાઇન લાગી હતી અને ભારે હોબાળો થયા બાદ મનપા દ્વારા ત્રણેય ઝોનમાં આધાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે.