જેતપુરના તત્કાલ ચોકડી વિસ્તારમાં અકસ્માત બાદ ખોડપરા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે ડ્રાઈવિંગ કરતા 40 વર્ષીય યુવક પર બે અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી, તેમને ગાડી નીચે કચડી મારી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાલ ઇજાગ્રસ્ત યુવક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી વિગતો મુજબ જનેશપર બટુકપરી ગોસાઈએ કરેલી ફરિયામાં જણાવ્યા અનુસાર, ગત સાંજે આશરે સાડા સાતેક વાગ્યે તેઓ પોતાનું એક્ટિવા (GJ-03-LQ-4374)) લઈને તત્કાલ ચોકડી પાસે રહેતા તેમના સંબંધી રાજુભાઈને મળીને પરત ફરી રહ્યા હતા. ત્યારે એપાર્ટમેન્ટની બહાર નીકળતી વખતે સામેથી પૂરપાટ ઝડપે અને બેદરકારીથી આવતી એક ગ્રે કલરની હ્યુન્ડાઈ શ-10 કાર (ઉક-3-ઈઇણ-2309) ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ જનેશપરી નીચે પડી ગયા હતા. જ્યારે તેમણે કાર ચાલકને ઠપકો આપી ધીમે ચલાવવા કહ્યું, ત્યારે કારમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા. આ શખ્સોએ હિન્દીમાં ગાળો ભાંડી લોખંડના પાઇપ વડે જનેશપરી પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને હાથ અને પગના ભાગે ગંભીર મુંઢ ઈજાઓ પહોંચી હતી.
જ્યારે ફરિયાદીએ પોલીસ બોલાવવાની વાત કરી, ત્યારે હુમલાખોરોએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “તેરે કો આજ છોડેંગે નહીં, જાન સે માર ડાલેંગે.” આ બંને શખ્સો ફરી કારમાં બેઠા અને જનેશપરીને જાનથી મારી નાખવાના ઈરાદે કાર રિવર્સ લઈ તેમના પર ચઢાવવાનો પ્રયાસ કર્યો. સદનસીબે, જનેશપરી સમયસૂચકતા વાપરી બાજુમાં કૂદી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
ત્યારબાદ હુમલાખોરો કાર લઈને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં જનેશપરી તાત્કાલિક જેતપુર સરકારી દવાખાને સારવાર માટે પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેમનું નિવેદન નોંધી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ પંદર દિવસ પહેલા જ અકસ્માતમાં પોતાનો 16 વર્ષનો દીકરો ગુમાવ્યો છે, અને હવે તેમની ઉપર થયેલા આ હુમલાએ પરિવારને વધુ આઘાતમાં મૂકી દીધો છે. પોલીસ હાલ દિલ્હી પાસિંગની કારના નંબરના આધારે હુમલાખોરોની શોધખોળ કરી રહી છે.
