શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોબાઇલ આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મૂળ ઉનાના વતની અને હાલ આફ્રિકામાં સ્થાઇ થયેલા શખસને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. આ શખસ હાલ રજામાં હોય જેથી વતન આવ્યો હતો ત્યાંથી રાજકોટ ભાગીદારને મળવા આવ્યો હોય દરમિયાન સટ્ટો રમતા પોલીસની ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એસ.એમ.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઓપન થિયેટરના ઓટા પર હસન ઉર્ફે હસન પટેલ નામનો શખસ મોબાઈલ ફોનમાં સટ્ટો રમી રહ્યો છે જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડી હસન કાસમભાઇ કાલવાનિયા (રહે હાલ. અંગોલા, આફ્રિકા, મૂળ અનમોલ પાર્ક, ઉના, ગીર સોમનાથ)ને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસનો મોબાઇલ ચેક કરતા તેમાં રોયલ એક્સચેન્જ ડોટ કોમ નામની આઈડી હોય જેમાં તેણે ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ મેચ પર ત્રણ સોદા કર્યા હોવાનું માલુમ પડ્યું હતું તથા ઇન્ડિયા ઇંગ્લેન્ડના વન-ડે મેચ પર એક સોદો કર્યાનું જણાયુ હતું. જેથી પોલીસે આ શખસ પાસેથી રૂૂપિયા એક લાખની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરી આ શખસ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મોબાઈલ આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમનાર આ શખસ મૂળ ઉનાનો વતની છે અને છેલ્લા ઘણા વર્ષોથી આફ્રિકાના અંગોલોમાં રહી અહીં એ.સી. સ્પેરપાર્ટની દુકાનમાં નોકરી કરે છે. ત્રણેક મહિનાથી રજા પર હોય જેથી તે વતન આવ્યો હતો અને અહીં રાજકોટ તેના ભાગીદારને મળવા આવ્યો હતો. દરમિયાન મોબાઇલમાં ક્રિકેટ સટ્ટો રમતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
