જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલપંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળયુક્ત પેટ્રોલ પહોંચાડીને આર્થિક લાભ મેળવવા તથા ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી રાજેશભાઈ સુરેશભાઈ મકવાણા (ઉ.વ. 44), રહે. રામેશ્વરનગર, માટેલ ચોક, માટેલ પાનની સામે, જામનગરની દેખરેખ હેઠળની અગ્રવાલ રોડલાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ટ્રાન્સપોર્ટ કંપનીને અન્ય ખાનગી કંપની દ્વારા મોટી ખાવડી સ્થિત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી પેટ્રોલ-ડીઝલના પરિવહન માટે ટેન્કરો રાખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રાન્સપોર્ટ કંપનીનાં બે ટેન્કર, જેમાં નોંધણી નંબર જીજે-12-સીટી-1492 અને જીજે-12-સીટી-1307નો સમાવેશ થાય છે, તેમાં જામનગરની કંપનીમાંથી પેટ્રોલનો જથ્થો ભરીને પ્રથમ રાજસ્થાનના માંડાર ખાતે આવેલા જ્યાં જિયો બી.પી. ડેપો અને ત્યાંથી સંબંધિત પેટ્રોલપંપ સુધી પેટ્રોલનો જથ્થો મૂળ સ્થિતિમાં પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
જોકે, આ કામગીરી દરમિયાન આરોપીઓએ અન્ય શખ્સો સાથે મળીને પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળ કર્યાનો અને આ ભેળસેળયુક્ત પેટ્રોલ સંબંધિત પેટ્રોલપંપ સુધી પહોંચાડ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પેટ્રોલનો જથ્થો મૂળ સ્થિતિમાં નહીં પહોંચાડીને આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનું તેમજ ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં દાવદખાન સુજાખાન, રહે. કોટરા ગામ, તાલુકો શિવ, જિલ્લો બાડમેર (રાજસ્થાન) અને કમરૂૂદીન હાજીખાન, રહે. કેરલી નાડી, મીઠીબેરી, જિલ્લો બાડમેર (રાજસ્થાન) સહિત તપાસમાં ખૂલે તેવા અન્ય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316(3) તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ, 1955ની કલમ 7 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓની ધરપકડ બાકી હોવાનું પોલીસ રિપોર્ટમાં જણાવાયું છે. આ ગુનાની વધુ તપાસ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયા ચલાવી રહ્યા છે.
