પીજી મેડિકલમાં માઇનસ 40 ગુણે એડમિશનથી અણઘડ ડોકટરો પેદા થશે

અમેરિકા અને ઈરાન વચ્ચે જામેલા જંગથી માંડીને સામ્યવાદી ચીના ભાજપની પરોણાગત માણવા ગયા ત્યાં સુધીના સમાચારોના કારણે અત્યારે રાજકીય રીતે ગરમીનો માહોલ છે તેથી એક…

અમેરિકા અને ઈરાન વચ્ચે જામેલા જંગથી માંડીને સામ્યવાદી ચીના ભાજપની પરોણાગત માણવા ગયા ત્યાં સુધીના સમાચારોના કારણે અત્યારે રાજકીય રીતે ગરમીનો માહોલ છે તેથી એક મહત્ત્વના સમાચાર તરફ લોકોનું ધ્યાન નથી ગયું. ભારતમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) લેવાય છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે એમબીબીએસ સહિતના કોર્સ માટેની પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) લે છે જ્યારે એમડી, એમએસ સહિતના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટેની પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ લે છે.

હમણાં એનબીઇએમએસ એ મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે લેવાતી નીટ પીજી 2025ના ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલની જાહેરાત કરી. આ જાહેરાત પ્રમાણે, સામાન્ય કેટેગરી માટે કટ-ઓફફ 50 પર્સન્ટાઇલથી ઘટાડીને 7પર્સન્ટાઇલ કરી દેવાયો છે જ્યારે અનુસૂચિત જાતિ (એસસી) અનુસૂચિત જનજાતિ (એસટી) અને અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) સહિતની અનામત કેટેગરી માટે કટ-ઓફ 40થી ઘટાડીને ’શૂન્ય’ કરી દેવાયા છે. મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે લેવાતી નીટ પીજીમાં કુલ 800 માર્ક્સ હોય છે. નવાં ધારાધોરણ પ્રમાણે, જનરલ કેટેગરીમાં 800માંથી 103 માર્ક્સ મેળવનારને જ્યારે અનામત કેટેગરીમાં તો માઇનસ 40 સ્કોર મેળવનારા ડોક્ટરો પણ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન માટે લાયક ઠરશે. પહેલાં જનરલ કેટેગરીમાં 800માંથી 276 માર્ક્સ હોય અને અનામત કેટેગરીમાં 235 માર્ક્સ હોય તો જ એડમિશન માટે અરજી કરી શકાતી.

હવે જનરલ કેટેગરીમાં પહેલાં કરતાં 40 ટકા માર્ક્સ હશે તો પણ એડમિશન મળશે જ્યારે અનામત કેટેગરીમાં તો એક પણ માર્ક લાવવાની પણ જરૂૂર નથી. ખાલી પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની પરીક્ષા આપી આવ્યા હોય ને પેપર કોરું મૂકી આવ્યા હોય તેમને પણ એડમિશન મળી જશે. બલકે દોઢ ડાહ્યા થઈને ના આવડતું હોય છતાં અડસટ્ટે થોડા સવાલોના જવાબો લખી દીધા હોય તેમાં માઈનસ 40 સુધી માર્ક્સ આવી ગયા હશે તો પણ એડમિશન મળી જશે. કેન્દ્ર સરકારે આવકના ચક્કરમાં કટ ઓફ માર્ક્સ ઘટાડી દીધા તેના કારણે શું અસર થશે એ વિશે વિચારવાની જરૂૂર છે. શૈક્ષણિક નિષ્ણાતોનું માનવું છે કે, ક્વોલિફાઇંગ સ્કોર એકદમ ઓછો રાખવાથી કોઈ પણ વ્યક્તિ મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન મેળવી શકશે અને તેના કારણે ડોક્ટરોનું સ્તર ખૂબ નીચું જશે.

નીટ-પીજીમાં જેમને 103 માર્ક્સ આવ્યા હોય એવા એમબીબીએસ થયેલા ડોક્ટરો બહુ હોંશિયાર ના હોય ને જેમને માઈનસ 40 સુધી માર્ક્સ સુધી આવ્યા હોય તેમના સ્તર વિશે તો કશું કહેવા જેવું જ નથી. હવે અચાનક સરકાર રીઝીને તેમને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનાવી દેશે એવા ડોક્ટરોનો ફાલ ઉતરશે કે જેમનામાં કોઈ લાયકાત જ ના હોય. આ સંજોગોમાં જનરલ કેટેગરી માટે કટ-ઓફફ નીચા લવાયા તેના કારણે બહુ ફરક નહીં પડે પણ અનામત કેટેગરીમાં કટ ઓફ ઓછા કરાયા તેના કારણે હવે ગમે તે આલિયા, માલિયા, જમાલિયા સ્પેશિયાલિસ્ટ બની જશે. તેમના અણઘડપણાને કારણે જીવ જશે તો લોકોના જશે, શાસકોએ થોડી તેમની પાસે સારવાર કરાવવાની છે? તેમના માટે તો સરકારી ને ખાનગી હોસ્પિટલોના ખ્યાતનામ નિષ્ણાતો ખડે પગે હાજર છે. જે કિંમત ચૂકવશે એ સામાન્ય લોકો ચૂકવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *