ચેરિટી કમિશનરમાં અધિકારીઓની મનમાનીથી ટ્રસ્ટોની વહીવટી કામગીરી ઠપ

નામ કમી કરવા, પ્રમાણપત્રો, મિલકત વેંચાણ, ખરીદી સહિતની દરખાસ્તો મહિનાઓ સુધી પેન્ડિંગ રાખી ટ્રસ્ટીઓને વારંવાર કચેરીના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ ફાળાની રકમો આકારણી કરીને…

નામ કમી કરવા, પ્રમાણપત્રો, મિલકત વેંચાણ, ખરીદી સહિતની દરખાસ્તો મહિનાઓ સુધી પેન્ડિંગ રાખી ટ્રસ્ટીઓને વારંવાર કચેરીના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ

ફાળાની રકમો આકારણી કરીને ટ્રસ્ટોને છેક હાઇકોર્ટ સુધી લઇ જતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને ટ્રસ્ટોની હાલાકી નિવારવા ગ્રેટર ચેમ્બરની ઉચ્ચકક્ષાએ ફરિયાદ

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને તેમના સભ્યો કે જેઓ ટ્રસ્ટ તરીકેની કામગીરી બજાવતા હોય છે તેઓને પ્રવર્તમાન સમયમાં પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓના સમાધાન અર્થે થતા નિવારણ માટે ગ્રેટર ચેમ્બર દ્વારા સરકારના મુખ્યમંત્રી, કાયદામંત્રી, ગૃહમંત્રી તથા ચેરીટી કમીશ્નરને લેખીતમાં રજુઆત કરીને જે-તે બાબતો અંગે સત્વરે નિર્ણય લઇને તેમાં પગલાઓ લેવા માટે સુચન કરવામાં આવેલ છે.

ટ્રસ્ટોનાં ટ્રસ્ટીઓમાં થતાં ફેરફાર રીપાર્ટો કે જેમાં કોઈ તકરાર નથી, કોઈ વાંધા નથી તેવા ફેરફાર રીપોર્ટો પણ અમુક અધિકારીઓ અને કર્મચારીઓ ખોટી કવેરીઓ રેઈઝ કરીને પેન્ડીંગ રાખવાનો અભિગમ ધરાવે છે. જેમાં ટ્રસ્ટીઓનાં પીરીયોડીકલ ઈલેકશન, ટ્રસ્ટીઓનાં અવસાનનાં કારણે માત્ર નામ કમી કરવાનાં ફેરફાર રિપોર્ટો પણ પેન્ડીંગ રાખવામાં આવે છે. અવસાનની ઈન્કવાયરી કરવામાં સમય કેટલો લાગે? તેમાં પણ જયારે અવસાનનો દાખલો રજૂ થાય પછી કામ પેન્ડીંગ રાખવાનાં કારણોસર રાખતા નથી. જેમાં વ્યક્તિનું અવસાન થતાં તેનું નામ કમી કરવાનું હોય તેવા ફેરફાર રીપોર્ટો પેન્ડીંગ રાખવા પાછળનો અર્થ શું? તેનું મનોમંથન ચેરીટી ડીપાર્ટમેન્ટએ કરવાનું રહે. પરંતુ આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી અમલમાં રહે છે અને આવા કામ લગભગ ઘણા બધા અધિકારીશ્રીઓ ધ્વારા પેન્ડીંગ રાખવામાં આવે છે.

આ જ રીતે સ્થાવર મિલકત નોંધવામાં કે, સ્થાવર મિલકત કમી કરવામાં જે ડોકયુમેટ રજુ થાય, મિલકત વેચાણનાં કે, ખરીદીનાં દસ્તાવેજો રજૂ થાય તેનાં ફેરફાર રીપોર્ટો પણ એક કરતાં વધુ મુદતો માટે સુનાવણી માટે પેન્ડીંગ રાખીને કામ લંબાવવામાં આવે છે જે ટ્રસ્ટો માટે, ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ માટે ખુબ જ આઘાતજનક પરિસ્થિતિ છે. ટ્રસ્ટીઓને આવા કામોમાં ધકકા ખાતા રાખવાનો કોઈ જ કારણ નથી.

અમારી પાસે મૌખિક સ્વરૂૂપે એવી પણ રજુઆતો આવે છે કે, જે સાર્વજનિક ટ્રસ્ટો એજયુકેશન, મેડીકલ કે અન્ય સેવાકીય ક્ષેત્રે કામગીરી કરે છે અને જેને વી ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એકટ 1950 ની કલમ – 57 અને ઘી ગુજરાત પબ્લિક ટ્રસ્ટસ રૂૂલ્સ 1961 ની જોગવાઈઓ અનુસાર ફાળામાંથી મુકતી આપવામાં આવી છે તેવા ટ્રસ્ટો ઉપર કોઈ ન સમજી શકાય તેવા કારણોસર ફાળાની આકારણી કરી દેવામાં આવે છે અને ફાળો આકારણી થયા પછી તેમાં પૈસા એડવાન્સમાં ભરાવીને વાંધા અરજી રજુ કરવાનું કહેવામાં આવે છે અને આવી કામગીરી વર્ષો સુધી ચેરીટી ડીપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને ટ્રસ્ટોને જો તે લડાઈ આપવામાં ન માને તો આવી રકમ ભરી દેવાની ફરજ પાડવામાં આવે છે. સાર્વજનિક સંસ્થાઓને આવી ફાળાની રકમો આકારણી કરીને ચેરિટી કમિશ્નરો છેક હાઈકોર્ટ સુધી ધકકાઓ ખાતા કરી દેવાનું કોઈ કારણ સમજી શકાતું નથી. આવી રકમ પબ્લિક માટે લોકો દાન આપે છે છતાં આવી ફાળાની રકમ ઉઘરાવવામાં આવે છે જે બંધ કરાવવી જરૂૂરી છે.

વર્તમાનમાં ચેરીટી કમિશ્નર અને સરકાર ધ્વારા સાર્વજનિક ટ્રસ્ટોની મિલકત વેચાણ સંબંધે કેટલાંક નવા રીસ્ટ્રીકસન્સ મુકવામાં આવ્યા છે જેમાં મિલકતોનાં ભાવ નકકી કરવાની સત્તા કલેકટર સહીતની કમીટીને સોંપવામાં આવેલી છે. આવી કાર્યવાહી નિશ્ચિત સમયમર્યાદામાં કરી આપવામાં આવે તે માટે જરૂૂરી પગલાં લેવાય તે આવશ્યક છે.

વર્તમાનમાં કેટલીક રજુઆતો એવી પણ આવી છે કે, ચેરીટી ડીપાર્ટમેન્ટમાં મોટાભાગનાં અધિકારીઓ જુદી જુદી જગ્યાએથી રીટાયર્ડ થઈને એક એક, બે બે વર્ષ માટે સેવાઓ આપવા માટે આવે છે. પરંતુ, નિયમીત અને કાયમી કે, લાંબાસમયની સમયમર્યાદાવાળા અધિકારીઓની નિમણુંક કરવામાં આવે તો, તેઓ એક તો ડીપાર્ટમેન્ટનાં નીતી નિયમો, કાયદાઓ અને કાર્યપધ્ધતીથી જાણકાર થઈ જાય અને બીજીબાજુ લાંબો સમય ડીપાર્ટમેન્ટમાં સેવાઓ આપે ત્યારે તેમનો અનુભવ અને તેમની કાર્યપધ્ધતી સારી રીતે થઈ શકે તેવી અમારી રજુઆત છે. માટે ચેરીટી ડીપાર્ટમેન્ટમાં જે જે જગ્યાઓ ખાલી હોય તે જગ્યાએ લાંબા સમય માટે અગર કાયમી અધિકારીઓની ભરતીની પ્રક્રિયાઓ તાત્કાલીક હાથ ધરવામાં આવે તે માટે રજુઆતો છે. અગર એકી સાથે બે કે તેથી વધુ વર્ષ માટે નિમણુંક થાય તેવી રજુઆત છે.

રાજકોટમાં ચેરીટી કમીશ્નરની કચેરીના સંયુકત ચેરીટી કમીશ્નરની પોસ્ટ ઉપર ઘણા સમયથી કાયમી નિમણુક કરવામાં આવેલ નથી. એડીશનલ ચાર્જથી આ જવાબદારી સોંપવામાં આવેલ છે. જે એડીશનલ ચાર્જ હોય, સ્વાભાવિક રીતે અધિકારી રેગ્યુલર ડયુટી પણ નિભાવતા હોય, તેથી એડીશનલ ચાર્જની કાર્યવાહીમાં ખુબ ઢીલ થતી હોય છે. તો તાત્કાલીક અસરથી એડીશનલ ચાર્જને બદલે રેગ્યુલર ચાર્જના સંયુકત કમીશ્નરની નિમણુંક કરવામાં આવે. આમ ઉપરોકત સમસ્યાઓના સત્વરે નિકાલ અર્થે રજુઆત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ રમેશભાઇ ઝાલાવડીયા તથા માનદ સહમંત્રી સુનીલભાઇ ચોલેરા દ્વારા જણાવવામાં આવેલ છે.

ટ્રસ્ટ નહી નોંધવાનો કચેરીનો અભિગમ બંધ કરાવો
કેટલાંક કર્મચારીઓ અને અધિકારીઓ સાર્વજનિક ટ્રસ્ટની નોંધણી સમયે ટ્રસ્ટમાં મિલકત નથી તે ચકાસણી કરવા માટે મહીનાઓ અને વર્ષો સુધી ટ્રસ્ટની નોંધણી જ અટકાવી રાખે છે અને તેમ કરીને સંસ્થાઓ નહીં નોંધી આપવાનો અભિગમ ધરાવે છે અને તેવું સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યું છે જે અંગે વિગતવાર સૌરાષ્ટ્રની કચેરીઓનો ડિટેઇલ ઇન્સ્પેકશન મેળવવામાં આવે તો ઘણું બધુ બહાર આવે તેવી પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્રનાં કેટલાંક અધિકારીઓ પાંજરાપોળનાં હેતુઓ માટે ટ્રસ્ટ નહીં નોંધી આપવાનો અભિગમ ધરાવી રહયાં છે અને જો પાંજરાપોળનાં કે ધાર્મિક હેતુઓ સાથે ટ્રસ્ટ નોંધણી માટે મુકવામાં આવે તો, ઈન્કવાયરીનાં ઓઠા હેઠળ આવી નોંધણીઓ પેન્ડીંગ રાખવામાં આવે છે. હવે હિન્દુ કે જૈન વ્યકિતઓ અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનાં કે ગુજરાતનાં લોકો પાંજરાપોળની પ્રવૃતિઓ સાથે સંસ્થાઓની રચના નહી કરે તો બીજું કોણ કરશે અને આવા અભિગમ ધરાવવા પાછળનો કોઈ વિશેષ પ્રયોજન સમજી શકાતું નથી. આ અંગે વ્યાપક પ્રમાણમાં રજુઆતો આવી રહી છે. જે અંગે ખાસ ધ્યાન આપવું આવશ્યક જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *