લોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહન

રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતાં 11મા વહીવટદારે ચાર્જ સંભાળ્યો લોકો માટે અતિ ઉપયોગી કોર્પોરેટરોના દાખલા માટે એક બે દિવસમાં નિર્ણય લેવાશે મહાનગરપાલિકાની ચુંટાયેલી…

રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતાં 11મા વહીવટદારે ચાર્જ સંભાળ્યો

લોકો માટે અતિ ઉપયોગી કોર્પોરેટરોના દાખલા માટે એક બે દિવસમાં નિર્ણય લેવાશે

મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત ગઈકાલે પૂર્ણ થતાં સરકાર દ્વારા મુકવામાં આવેલ વહીવટદાર તરીકેનો ચાર્જ આજરોજ રૈમ્યા મોહને સંભાળ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત કરી માહિતી આપેલ કે ચુંટાયેલી પાંખનો અસ્તિત્વ ન હોય લોકોની પ્રાથમિક જરૂરીયાતો ઉપર પુરતુ ધ્યાન આપી પાયાના પ્રશ્ર્નો હલ કરવાનો ઝડપી પ્રયાસ કરવામાં આવશે તેવી જ રીતે લોકોને સ્પર્શતા કોઈપણ પ્રકારના પ્રાથમિક કામોને અગ્રતા આપી મ્યુનિ.કમિશનર સાથે સંકલન કરી તુરત પ્રશ્ર્ન હલ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકામાં 11માં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી રૈમ્યા મોહને જણાવેલ કે રાજકોટ ખાતે કલેકટર તરીકે ફરજ બજાવેલ હોય કામ કરવામાં મુશ્કેલી નહીં પડે પરંતુ શહેરીજનો અને શહેરની સમસ્યાઓ અંતર્ગત કામ કરવાનું છે ત્યારે હાલમાં અસ્તિત્વમાં ચુંટાયેલી પાંખ ન હોવાથી લોકોના કામો જે નગરસેવકો દ્વારા કરવામાં આવતાં હોય છે અને કામ મુદ્દેની દરખાસ્તો તેમના દ્વારા રજૂઆત કરાતી હોય છે તે હવે બંધ થઈ જતાં વોર્ડવાઈઝ તેમજ અન્ય પ્રોજેકટો સાથેના તમામ કામો કે જેને પ્રાથમિકતા આપવાની જરૂરીયાત હોય તે પ્રકારનાં કામોને વહીવટી મંજુરી તુરંત આપવામાં આવશે. તેવી જ રીતે લોકોની જરૂરીયાત મુજબના રોડ રસ્તા સહિતના કામો ઝડપી બને તે માટે મ્યુનિ.કમિશનર સાથે આ મુદ્દે સંકલન હાથ ધરી કામને અગ્રતા આપવામાં આવશે.

રૈમ્યા મોહને વધુમાં જણાવેલ કે હાલ રાજકોટ મહાનગરપાલિકાનાં વહીવટદાર તરીકેની જવાબદારી ઉપરાંત અન્ય વિભાગોની જવાબદારી પણ હું નિભાવું છું જેના લીધે તમામ વિભાગના કામ સરળતાથી થાય અને તમામ પ્રોજેકટો માટે સમય ફાળવી શકું તે માટે થઈને રાજકોટ મહાનગરપાલિકાનાં વહીવટદાર તરીકેની કામગીરી માટે સપ્તાહમાં એકથી બે દિવસ કચેરી ખાતે હાજર રહી તમામ કામોને સંકલન સાથે પુરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેવી જ રીતે જ્યારે પણ જરૂરીયાત ઉભી થશે ત્યારે વહીવટદાર તરીકે હાજર રહી લોકોના પ્રશ્ર્નો હલ કરવાનો સતત પ્રયાસ હાથ ધરાશે. આજે મ્યુનિ.કમિશનર સાથે ઔપચારીક વાતચીત થઈ છે અને આગામી દિવસોમાં હાલના ચાલુ તમામ પ્રોજેકટ તેમજ તાજેતરમાં સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર થયેલા અને વર્ક ઓર્ડર અપાયેલ હોય તેવા કામોની સમીક્ષા કરી આ કામો ઝડપથી પુરા થાય તે મુદ્દે અધિકારીઓ સહિતનાઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવશે.

પદાધિકારીઓના ચેમ્બરોને લાગી ગયા તાળા
મહાનગરપાલિકાની ચુંટાયેલ પાંખની મુદત ગઈકાલે પૂર્ણ થતાં આજે વહીવટદાર તરીકે રૈમ્યા મોહને ચાર્જ સંભાળ્યો છે. ગઈકાલે મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, પક્ષના નેતા, ડેપ્યુટી મેયર અને દંડક સહિતનાએ પોતાનો ચાર્જ છોડી કાર સહિતની સેવાઓ કમિશનરને પરત કરી હતી. અને આજે હવે સ્ટેન્ડીંગ કમીટીના મિટીંગ રૂમ તથા સ્ટેન્ડીંગ ચેરમેન ચેમ્બર તથા ડેપ્યુટી મેયર ચેમ્બર અને વિપક્ષી નેતા તથા દંડક બેસે છે તે ભાજપ કાર્યાલય સહિતની ઓફિસોને આજથી તાળા મારી દેવામાં આવ્યા હતાં અને હવે નવી ચુંટાયેલી પાંખ પદભાર સંભાળશે ત્યારબાદ ફરી વખત તમામ ચેમ્બરોના તાળા ખુલશે.

મહાપાલિકાના અત્યાર સુધી નિમાયેલા વહીવટદારો
એન.એમ.બીજલાણી 1974
સી.સી.ડોકટર 1974
કે.એ.વરદન 1975
એન.એમ.બીજલાણી 1975
સી.આર.સમાજપતિ 1975
આર.રામભદ્રન 1980
અશોક દોશી 1993
અશોક નારાયણ 1994
પી.એન.ચૌધરી 2000
જી.આર.અલોરીયા 2005
રૈમ્યા મોહન 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *