સોશ્યલ મીડિયા પર પ્રસિધ્ધ થવા માટે આજના યુવાનો જોખમી રીલ્સ બનાવતા હોય છે તેમજ બાઇક પર જોખમી સ્ટંટ કરતા પણ અચકાતા નથી ત્યારે થોડા દિવસો પહેલા જ પડધરી પોલીસ દ્વારા બે ડઝન જેટલા લોકોને હાઇવે પર સ્ટંટ કરતા ઝડપી પાડયા હતા અને તમામને કાયદાનુ ભાન કરાવી બાઇક કબજે લીધા હતા. ત્યારે રાજકોટ શહેરમા આવેલા દેવપરા વિસ્તારનો થોડા દિવસ પહેલા એક 10 લોકોના ટોળા દ્વારા બાઇક પર સ્ટંટ કરતો વીડીયો વાયરલ થયો હતો આ ઘટનામા ભકિતનગર પોલીસના સ્ટાફે તમામ 9 શખ્સો સામે કાર્યવાહી કરી છે.
આ ઘટનામા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ. એમ. સરવૈયા અને સ્ટાફના કરણભાઇ કોઠીવાલ, અરવિંદભાઇ ફતેપરા, દિલીપભાઇ બોરીચા, રાજદીપસિંહ જાડેજા, પ્રભાતભાઇ મેયડ, હિતુભા ઝાલા અને પ્રકાશભાઇ મકવાણા સહીતના સ્ટાફને એક વીડીયો મળ્યો હતો જેમા દેવપરા રોડ પર જાહેરમા મકરસંક્રાતીના દિવસે 9 જેટલા શખ્સો બાઇક પર જોખમી સ્ટંટ કરતા નજરે પડયા હતા. આ ઘટના બાદ પોલીસે તપાસ કરતા તમામના સીસીટીવી ફુટેજના આધારે ઓળખ મળી હતી જેમા આરોપીઓમા સહકારનગર મેઇન રોડ પર ઘનશ્યામ નગર શેરી નં 8 ના ખુણે રહેતા સાગર જગદીશ મેવાસીયા, રાધાકૃષ્ણનગરમા રહેતા ઇમત્યાજ ફીરોજ અજમેરી, એક બાળ કીશોર, રાધાકૃષ્ણ નગર શેરી નં 17 મા રહેતો મનીષ હર્ષદભાઇ ડાંગર, રાધાકૃષ્ણ નગર શેરી નં 17 વિવેક હર્ષદ ડાંગર, યોગેશ પરબતાણી, ભાર્ગવગીરી ભરતગીરી ગૌસ્વામી, હિમાલય ભરત ગૌસ્વામી અને વસીમ ફીરોજભાઇ શાહમદાર સામે માણસોની જીંદગી જોખમાય તે રીતે સ્ટંટ કરતા પોલીસે તમામની સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.