ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં દોઢ માસ પૂર્વે બનેલી રેગિંગની ઘટનામાં 5 ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાયા છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને નોડલ ઓફિસરને ચાર્જમુક્ત કરાયા. ઓર્થોપેડિક વિભાગના વડાને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે કરાર આધારિત પ્રોફેસરની સેવા સમાપ્ત કરાઈ છે. આ કાર્યવાહીથી મેડિકલ વર્તુળોમાં ચકચાર મચી છે.
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં દોઢ માસ પૂર્વે બનેલી મેડિકલ શિક્ષણ જગતને લાંછનરૃપ રેગિંગની ઘટનામાં અંતે જવાબદારી નક્કી થઈ છે અને મેડિકલ કોલેજ અને સર ટી.હોસ્પિટલના પાંચ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલના તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને પીએમએસએસવાય બિલ્ડિંગના નોડલ ઓફિસરને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ ઓર્થોપેડિક વિભાગના વડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કરાર અધારિત પ્રોફેસરની સેવા સમાપ્ત કરવામાં આવી છે.
સરકારી મેડિકલ કોલેજમાં ગત જુન મહિનામાં બનેલી મેડિકલ શિક્ષણ જગતને લાંછનરૃપ રેગિંગની ઘટનામાં અંતે જવાબદારી નક્કી થઈ છે. આરોગ્ય રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મેડિકલ કોલેજ અને સર ટી.હોસ્પિટલની એક ઉચ્ચ સ્તરિય સમીક્ષા બેઠક બાદ મેડિકલ કોલેજ અને સર ટી.હોસ્પિટલના પાંચ ઉચ્ચ અધિકારી સામે કાર્યવાહીની કરવામાં આવી છે. જેમાં સર ટી.હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકેનો વધારાનો હવાલો ધરાવતા ડો.અશોક વાળાને ચાર્જમાંથી મુક્ત કરી તેમની જગ્યાએ તબીબી અધિક્ષકનો ચાર્જ ડો.કેરવી દેસાઈને સોંપવામાં આવ્યો છે. તેમજ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો. વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડો.અમિત પરમારને અને પીએમએસએસવાય બિલ્ડીંગમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.સમીર શાહને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
ઉપરાંત મેડિકલ કોલેજમાં રેગિંગની મિટિંગનું કેમેરાવાળા ચશ્માથી રેકોર્ડિંગનો પ્રયાસ કરનારા ઓર્થોપેડિક વોર્ડના 11 માસના કરાર આધારિત એસોસિએટ પ્રોફેસર ડો.પિનાકીન વોરાની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ સામેની કાર્યવાહીની આ ઘટનાએ મેડિકલ કોલેજ અને સર ટી.હોસ્પિટલમાં સોપો પાડી દીધો છે.
નારી ચોકડી ખાતે નિર્માણ પામનારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગની સમીક્ષા બેઠકમાં સર ટી.હોસ્પિટલમાં ગંદકીના મુદ્દે તથા હોસ્પિટલના તમામ સ્ટાફનો દર્દીઓ અને દર્દીઓના સગા સાથેના ખરાબ વર્તન, હોસ્પિટલમાં ઈમ્પ્લાન્ટની અછતના મુદ્દે તેમજ કોલેજમાં રેગિંગ મુદ્દે મંત્રીએ અધિકારીને આકરી ટકોર કરી હતી.
