બે શખ્સોએ છાત્રો પાસે અંદરો અંદર કૃત્ય કરાવી વીડિયો ઉતારી લીધાની બે વર્ષ બાદ નોંધાઇ ફરિયાદ
ગોંડલ તાલુકાના ભોજપરા ગામેથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભોજપરા ગામમાં આશરે બે વર્ષ પૂર્વે સગીર વયના બે છાત્રોને લલચાવી-ફોસલાવી એક ડેલામાં લઈ જઈ, તેમની પાસે બળજબરીપૂર્વક અંદરોઅંદર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી, તેનો વીડિયો શૂટ કરી વાયરલ કરવાની ધમકી આપવાના ગંભીર મામલે બનાવના બે વર્ષ બાદ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ભોજપરા ગામના જ બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી કેસની વિગત એવી છે કે, ભોજપરા ગામે રહેતા અને ઘરકામ તેમજ ખાનગી નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતા 40 વર્ષીય મહિલાએ આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મનીષ સોલંકી અને હેમાંગ ગોગીયા સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી આશરે બે વર્ષ પહેલાં નવરાત્રી દરમિયાન રાત્રિના સાડા દશેક વાગ્યાના સુમારે આ ઘૃણાસ્પદ ગુનો આચરવામાં આવ્યો હતો.
મનીષ સોલંકી અને હેમાંગ ગોગીયા નામના બે નરાધમોએ આ કાળા કારસ્તાનને અંજામ આપ્યો હતો. ભોજપરા ગામના એક ડેલામાં આરોપી મનીષ સોલંકી અને હેમાંગ ગોગીયાએ ફરિયાદી મહિલાના 15 વર્ષના સગીર વયના દીકરા તથા 15 વર્ષના સગીર વયના બાળકોને કોઈ બહાને ભેગા કર્યા હતા. ત્યારબાદ બન્ને આરોપીઓએ આ માસૂમ બાળકો સમક્ષ અત્યંત શરમજનક અને ખરાબ કામ કરવાની માંગણી કરી હતી. જોકે, ભોગ બનનાર સગીર બાળકોએ આ બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોના ઇનકારથી ઉશ્કેરાયેલા મુખ્ય આરોપી મનીષ સોલંકીએ નિર્દોષ બાળકોને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી દીધા હતા.
ત્યારબાદ, આરોપી મનીષ સોલંકીએ સગીરો પર બળજબરી કરી, ડરના ઓથાર હેઠળ બાળકોને અંદરોઅંદર એકબીજા પાસે મુખ મૈથુન કરાવી તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરવા માટે મજબૂર કર્યા હતા. માસૂમ બાળકો જ્યારે આ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બની રહ્યા હતા, ત્યારે બીજા આરોપી હેમાંગ ગોગીયાએ પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર હીન કૃત્યનો શરમજનક વીડિયો ઉતાર્યો હતો. અને આ વાત કોઈને કહેશે તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેમને અને તેમના પરિવારને સમાજમાં બદનામ કરી દેશે. આ ધમકી અને ડરના કારણે બાળકો લાંબા સમય સુધી મૌન રહ્યા હતા.
જોકે, અંતે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પીડિત સગીરની માતાએ હિંમત પૂર્વક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ત્વરિત પગલાં ભરીને આરોપીઓ વિરુદ્ધ બાળકોને જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા વિશેષ કાયદા જાતીય સતામણી ગુના સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012 હેઠળ ગુનો નોંધી કાયદાનો સિંજોગો કસ્યો છે. આ ઘટનાને પગલે ગોંડલ તાલુકા પોલીસે આરોપીઓને ઝડપી લેવા અને વીડિયો રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
