રાજકોટ ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને એક મોટી સફળતા મળી છે. ગોંડલ તાલુકામાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના તેમજ ત્યારબાદ શાપર પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જવાના ગંભીર ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે.
પ્રાપ્ત વિગત મુજબ, આરોપી ઠાકુરસિંગ ઉર્ફે ઠકરીયો મીઠુસિંગ ડામોર (ઉં.વ. 30, રહે. ચુડેલી ગામ, જી. ઝાબુઆ, મધ્યપ્રદેશ) વિરુદ્ધ વર્ષ 2021માં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ધરપકડ થયા બાદ આરોપી શાપર પોલીસ સ્ટેશનના પોલીસ જાપ્તામાંથી પણ ફરાર થઈ ગયો હતો, જેથી તેની સામે કલમ 224 મુજબ બીજો ગુનો દાખલ થયો હતો.
પોતાની ધરપકડ ટાળવા માટે આરોપી છેલ્લા 5 વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો-ફરતો હતો. આ મામલે નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જ આઈજી (DIG) નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા (SP) વિજય સિંહ ગુર્જર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આ આરોપી ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આવ્યો છે. પોલીસે તુરંત વોચ ગોઠવીને ઘોઘાવદર બસ સ્ટેશન પાસેથી ઠાકુરસિંગ ઉર્ફે ઠકરીયાને ઝડપી લીધો હતો.
આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર સફળ કામગીરી LCB રાજકોટ ગ્રામ્યના PI જે.પી. રાવ, PSI કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા અજઈં બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ ચાવડા અને કોન્સ્ટેબલ રણજીતભાઇ બોરડ, વિજયભાઇ ખડીયા તથા ભાવેશભાઇ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
