જામનગરમાં 12 વર્ષથી ફરાર ચકચારી ગેંગરેપ અને લૂંટનો આરોપી ઝડપાયો

અદાલતે આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારેલ: પોલીસે આરોપીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર…

અદાલતે આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારેલ: પોલીસે આરોપીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા માટે રાજ્યવ્યાપી “ઓપરેશન કારાવાસ-2” ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ છે.

વર્ષ-2012 દરમિયાન જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળા પર ગેંગરેપનો અત્યંત ગંભીર અને ચકચારી બનાવ બન્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી મજબૂત પુરાવાઓના આધારે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ ટ્રાયલ પૂર્ણ થતાં નામદાર અદાલતે આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.સજાના સમયગાળા દરમિયાન આરોપી પારસ ઉર્ફે ધોરીયો મોહનભાઈ ઉર્ફે રામરોટી ડાભી, રહે. જુના રેલવે સ્ટેશન વિસ્તાર, જામનગર તા. 13.8.2014 ના રોજ ચાર દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો અને ત્યારથી સતત પોલીસ પકડથી દૂર રહ્યો હતો.

આ ગંભીર ગુનાના ફરાર કેદીને ઝડપી પાડવા માટે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.તે મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી છેલ્લા 12 વર્ષથી પોતાની ઓળખ છુપાવી, સતત રહેઠાણ અને સંદેશાવ્યવહારના માધ્યમોમાં ફેરફાર કરી વિવિધ રાજ્યોમાં આશ્રય લઈ રહ્યો હતો.

આરોપીને ટ્રેક કરવા માટે તેની જૂની હિલચાલ, ટેકનિકલ એનાલિસિસ તેમજ ડીપ સર્ચ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે આરોપી દેશના વિવિધ રેલવે સ્ટેશનો પર આશ્રય લઈ રહ્યો છે. જેના આધારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ તથા દિલ્હી સહિતના વિવિધ રાજ્યોમાં આશરે 100થી વધુ રેલવે સ્ટેશનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પેરોલ-ફર્લો સ્ક્વોડના સ્ટાફ સુરેશભાઈ ડાંગર, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા તથા મહિપાલભાઈ સાદિયાને મળેલી ચોક્કસ માહિતીના આધારે ફરાર કેદીને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

હાલ આરોપીએ છેલ્લા 12 વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં સ્થળોએ આશ્રય લીધો હતો તથા ફરારી દરમિયાન કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *