જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા મોટી ખાવડી વિસ્તારમાં એક હોટલમાંથી 83 લાખ ની કિંમતના હેરોઈન ના જથ્થા સાથે પંજાબના વતની એવા ચાર શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને મેઘપર પડાણા પોલીસ મથકમાં સુપ્રત કર્યા હતા, જે પૈકીનો એક આરોપી પોલીસ મથકમાંથી ભાગી છુટતાં સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર ધંધે લાગ્યું છે, અને ચો તરફ નાકાબંધી કરાઇ છે. એસ.ઓ.જી. ની ટુકડીએ ગત મોડી રાત્રે એક હોટલમાંથી હેરોઈનના જથ્થા સાથે પકડી પાળેલા ચાર આરોપીઓ પૈકીના વિશાલસિંઘ જસવીરસિંઘ મટુ, કે જેને મેઘપર પોલીસ મથકમાં સુપ્રત કરવામાં આવ્યો હતો, અને પોલીસ પહેરા હેઠળ રખાયો હતો, દરમિયાન મોડી સાંજે પોલીસને ચકમો આપીને મેઘપર પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો હતો, જેથી ભારે દોડધામ થઈ હતી.
જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની ને જાણ થતાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી, અને એલસીબી, એસઓજી, મેઘપર પોલીસ તથા જિલ્લા ની અન્ય પોલીસ ટુકડી આરોપીને પકડવા માટે સમગ્ર વિસ્તારને ખુદી રહી છે.
આરોપી મેઘપરની મજૂરોની વસાહત આસપાસ ભાગ્યો હોવાનું અનુમાન કરીને સમગ્ર વસાહતો ની ફરતે પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે, અને આરોપીની શોધખોળ ચાલી રહી છે. ઉપરાંત જિલ્લા બહાર નીકળતા તમામ વાહન ચેક કરવામાં આવી રહ્યા છે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, તથા અન્ય ખાનગી વાહનોના પિકપ પોઇન્ટની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
