જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં વૃદ્ધની કરપીણ હત્યા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. ગત તા. 24 જૂનની રાત્રે ફીયોનીકા સોસાયટીમાં રહેતા દેવાયતભાઈ રામશીભાઈ વરોતરીયા (ઉ.વ. 80)ની છરીના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે મૃતકના પૌત્ર રાજુભાઈએ વિસ્તારમાં જ રહેતા સાગર મારખીભાઈ વસરા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સાગર વસરા અને મૃતક દેવાયતભાઈ વચ્ચે અગાઉ મજાક-મસ્તીના મુદ્દે બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો શાંત પડી ગયો હોવા છતાં જૂના મનદુ:ખને મનમાં રાખી આરોપી છરી લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને ફળિયામાં ખાટલા પર સુતેલા દેવાયતભાઈ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા બાદ આરોપી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતો. હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે તેને કસ્ટડીમાં લઈ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ કબ્જે કરી લીધી હતી.
આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તા. 27 જૂન સુધીના બે દિવસના ફપોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન હત્યાનું ચોક્કસ કારણ, આરોપીનો ઈરાદો, બનાવની પૂર્વ તૈયારી તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
