જામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો

જામનગર શહેરમાં વર્ષ 1999 દરમિયાન બનેલા પેટ્રોલપંપ લૂંટ કેસમાં 27 વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લામાંથી પકડી…

જામનગર શહેરમાં વર્ષ 1999 દરમિયાન બનેલા પેટ્રોલપંપ લૂંટ કેસમાં 27 વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આશરે 28 વર્ષ પહેલાં, વર્ષ 1999માં જામનગર શહેરના લાલપુર બાયપાસ નજીક આવેલ કિર્તિ પેટ્રોલપંપ ખાતે લૂંટારુ ટોળકીએ ધાડ પાડી રૂૂપિયા 1,90,000 ની લૂંટ ચલાવી હતી. તે સમયનો આ બનાવ ખૂબ જ ચકચાર મચાવનાર બન્યો હતો. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર, રહે. કાકરાદરા ગામ, તા. રાણપુર, જી. જાંબુઆ (મધ્યપ્રદેશ) છેલ્લા 27 વર્ષથી પોતાની ઓળખ છુપાવી નાસતો ફરતો હતો. આ અંગે અદાલત દ્વારા આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

આ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક (રાજકોટ રેન્જ), નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચને કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વિવિધ રાજ્યોમાં અગાઉ પકડાયેલા સમાન પ્રકારના ગુનાઓના આરોપીઓના પ્રોફાઇલ ચેક કરાયા હતા, તથા આરોપીના વતન ગામના લોકોના આધારકાર્ડ ડેટા અને મતદાર યાદીની તપાસ કરવામાં આવી હતી.

જે તપાસ દરમિયાન આરોપીની હાજરી અલગ અલગ સમયગાળામાં હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાં હોવાનું જાણવા મળતાં એલ.સી.બી.ની ટીમો ત્યાં મોકલવામાં આવી હતી. સતત મહેનત અને ચોક્કસ માહિતીના આધારે આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ દ્વારકા સ્થિત પ્રખ્યાત રુક્ષ્મણી મંદિર ખાતે થયેલી લૂંટના કેસમાં પણ સંડોવાયેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *