સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓનો ચમત્કારીક બચાવ, ચાલક સહિત બેને ઇજા, કાલાવડ રોડ ઉપર બનાવ
શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે કાલાવડ રોડ જેવા અત્યંત વ્યસ્ત માર્ગ પર વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. કાલાવડ રોડ પર આવેલી જાણીતી સંધ્યાટાણુ રેસ્ટોરન્ટ નજીક સાંજના સુમારે જીનીયસ સ્કૂલ અને પરિશ્રમ સ્કુલની બસ વચ્ચે સામે સામે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં જીનીયસ સ્કૂલની બસના ચાલક અને તેમાં ફરજ બજાવતા આયા બહેનને ગંભીર ઈજાઓ પહોંચી છે. જયારે બસમાં બેઠેલા બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
મળતી વિગતો અનુસાર, જીનીયસ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને મુકીને પરત ફરી રહી હતી ત્યારે સાઈડના રોડમાંથી અચાનક ધસી આવેલી પરિશ્રમ સ્કુલ બસે વચ્ચે સામે સામે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં જીનીયસ સ્કૂલની બસના ચાલક કણકોટ પાસે રહેતા મધુભાઈ સેલારભાઈ મોભ (ઉંમર વર્ષ 60) તેમજ બસમાં આયા તરીકે સેવા આપતા આરતીબેન ગીરધરભાઇ મારૂૂ (ઉંમર વર્ષ 59)ને શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી.જોકે બસમાં બેઠેલા વિધાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મધુભાઈ અને આરતીબેનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ચોકીના ફરજ પરના સ્ટાફે આ અંગેની સત્તાવાર માહિતી તાલુકા પોલીસ મથકને આપતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની આ ઘટના અંગે ઈજાગ્રસ્ત બસ ચાલક મધુભાઈએ હોસ્પિટલના બિછાનેથી વિગતો આપતા જણાવ્યું હતું કે, શાળાનો સમય પૂર્ણ થતાં તેઓ નિયમ મુજબ વિદ્યાર્થીઓને મેટોડા તરફ મુકવા ગયા હતા. વિદ્યાર્થીઓને ડ્રોપ કરીને તેઓ જ્યારે રાજકોટ શહેર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે બસમાં માત્ર તેઓ પોતે, આયા બહેન આરતીબેન અને અન્ય એક વિદ્યાર્થિની સવાર હતા.
જ્યારે બસ સંધ્યાટાણુ રેસ્ટોરન્ટ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ સાઈડના રસ્તામાંથી પરિશ્રમ સ્કૂલની બસ પૂરપાટ ઝડપે આવી પહોંચી હતી અને જીનીયસ સ્કૂલની બસ સાથે અથડાઈ હતી. સદનસીબે બસમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હાજર ન હોવાથી એક બહુ મોટી જાનહાનિ અને હોનારત ટળી ગઈ હતી. બસમાં સવાર અન્ય એક વિદ્યાર્થિનીનો પણ આબાદ બચાવ થયો છે.આ ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધીને અકસ્માત સર્જનાર અન્ય સ્કૂલ બસના ચાલક વિરૂૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂૂ કરી છે. કાલાવડ રોડ પર શાળાઓની અવરજવરના સમયે વાહનોની ગતિ મર્યાદા અને ટ્રાફિક નિયમોના પાલનને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકોના પરિવહન સાથે જોડાયેલી સ્કૂલ બસોના ચાલકોએ વધુ સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે.
