ધ્રાંગધ્રામાં સ્કૂલ બસ-બોલેરો વચ્ચે અકસ્માત, 10થી વધુ છાત્રો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક હાઈવે પર આજે સનરાઈઝ સ્કૂલ બસ અને પીકઅપ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી…

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક હાઈવે પર આજે સનરાઈઝ સ્કૂલ બસ અને પીકઅપ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમા ખસેડાયા હતાં. હોસ્પિટલના ડો. ચિરાગ ચૌહાણના જણાવ્યા અનુસાર, અંદાજે 8થી 10 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ધ્રાંગધ્રા પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓના નિવેદન નોંધ્યા હતા.

ધ્રાંગધ્રા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીને હોઠના ભાગે ટાંકા આવ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. સારવાર બાદ મોટાભાગના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.

પીએસઆઈ ચુડાસમાના કહેવા મુજબ, સ્કૂલ બસ કોઈ વિદ્યાર્થીને લેવા કે ઉતારવા માટે ધીમી પડી હતી. તે સમયે પાછળથી આવતી પીકઅપ ગાડી ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી. સામેથી ટ્રક આવતા પીકઅપ ગાડીના ચાલકે સાઈડમાં લેવાનો પ્રયાસ કરતા તે સ્કૂલ બસના પડખા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂલ બસના એક ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માત બાદ સ્કૂલ બસને ઘટનાસ્થળેથી હટાવી દેવામાં આવી હતી. વાલીઓ અને સ્કૂલ દ્વારા હાલ કોઈ ફરિયાદ કે કાર્યવાહી ન કરવાનું જણાવતા પોલીસે નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *