ભચાઉ નજીક ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માત:3નાં મોત, 18 ઘવાયા

કચ્છના માર્ગો પર બેફામ દોડતા રાક્ષસી ડમ્પરો અને ચાલકોની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વખત રક્તરંજિત અકસ્માત સર્જાયો છે. ભચાઉ તાલુકાના કકરવા અને ખારોઇ વચ્ચે…

કચ્છના માર્ગો પર બેફામ દોડતા રાક્ષસી ડમ્પરો અને ચાલકોની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વખત રક્તરંજિત અકસ્માત સર્જાયો છે. ભચાઉ તાલુકાના કકરવા અને ખારોઇ વચ્ચે સિંગલપટ્ટી રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ડમ્પરે બોલેરો વાહનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરો વાહન માર્ગની નીચે ફંગોળાઇને ગડથોલાં ખાતી પલટી ગઇ હતી.આ અકસ્માતમાં સાંતલપુરના રહેવાસી બે માસૂમ બાળકો, ક્રિષ્નાબેન જીવણ કબાભાઇ આહીર (ઉ.વ. 12) તથા મયંક વિરમ આહીર (ઉ.વ. 6) નાં વધુ સારવાર મળે તે પહેલાં જ કરુણ મોત નીપજ્યાં હતાં.

જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 25 વર્ષીય આશાબેન નાકદારને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ કમકમાટીભર્યું મોત નીપજતાં આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક વધીને 3 થયો છે.

મળતી પ્રાથમિક વિગતો મુજબ, સાંતલપુરમાં રહેતા આહીર જ્ઞાતિના પરિવારો બોલેરો વાહનમાં સવાર થઇને આજે બપોરે એક વાગ્યાના અરસામાં ખારોઇ બાજુ કોઇ કામ અર્થે આવી રહ્યા હતા, ત્યારે કકરવા નજીક આ ગોઝારી ઘટના ઘટી હતી. અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

ઇજાગ્રસ્તોને ખાનગી વાહનો તથા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અન્ય 18 લોકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં લાખુબેન સવાભાઇ આહીર (ઉ.વ. 30), સરિયાબેન કાનાભાઇ આહીર, મણિબેન ડાલાભાઇ આહીર (ઉ.વ. 32), પમીબેન વિરમ આહીર (ઉ.વ. 28), અંજલિબેન ભચુભાઇ (ઉ.વ. 8), જયશ્રીબેન રાણાભાઇ બકુત્રા (ઉ.વ. 17), જિગર લાગાભાઇ આયર (ઉ.વ. 15), સોનાબેન પોપટભાઈ આહીર (ઉ.વ. 24), લાખુબેન નાકદારભાઈ આહીર (ઉ.વ. 22), જયદીપ કાના આયર (ઉ.વ. 7), જયશ્રીબેન કમાભાઈ આહીર (ઉ.વ. 18), આરતીબેન જીવણભાઈ આયર (ઉ.વ. 17), નયન ડાલાભાઈ આહીર (ઉ.વ. 1), ડાલાભાઈ અરજણભાઈ આહીર (ઉ.વ. 35), ભાવેશ સવાભાઈ આહીર (ઉ.વ. 7), જનક નયન આહીર (ઉ.વ. 9), દેવ આહીર (ઉ.વ. 4) તથા જાનકીબેન બચાભાઈ આહીર (ઉ.વ. 15) નો સમાવેશ થાય છે.

ઘવાયેલાઓ પૈકી ગંભીર દર્દીઓને વધુ સારવાર માટે આદિપુર તથા ગાંધીધામની ખાનગી હોસ્પિટલોમાં પણ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે પી.એસ.આઈ. કે. બી. તરારે જણાવ્યું હતું કે પોલીસે અકસ્માત સંદર્ભે ફરિયાદ નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *