રાજકોટ શહેરના સતત ધમધમતા રહેતા ઢેબર રોડ પર આવેલા રિદ્ધિ-સિદ્ધિ અંડરબ્રિજ નજીક લોખંડના સળિયા ભરેલી એક બોલેરો પીકઅપ વાન અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
પ્રાથમિક તપાસ અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, માર્ગ પર પૂરઝડપે દોડી રહેલા વાહનચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા વાહન સાથે ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. લોખંડના સળિયા ભરેલા વાહનને કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી.
શહેરના આવા વ્યસ્ત માર્ગો અને અંડરબ્રિજ જેવા સાંકડા તથા સંવેદનશીલ સ્થળોએ વાહનોની બેફામ ઝડપ તથા ચાલકોની બેદરકારીને કારણે અકસ્માતની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. આ પ્રકારની ઘટનાઓથી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હવે શહેરીજનોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, જાહેર માર્ગો પર પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?
