એસીબીનો સપાટો: ભાવનગર-અમરેલી-અમદાવાદમાં 7 લાંચિયા કર્મચારી ઝડપાયા

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં ચાલતી લાંચ-રૂૂશ્વતની પ્રવૃત્તિઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં એ.સી.બી.ની ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ સફળ ઓપરેશન પાર…

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં ચાલતી લાંચ-રૂૂશ્વતની પ્રવૃત્તિઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં એ.સી.બી.ની ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ સફળ ઓપરેશન પાર પાડીને ભ્રષ્ટ કર્મચારીઓને લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ભાવનગરમાં જમીન બિનખેતી કરવાના બદલામાં રૂૂ. 9 લાખની લાંચ લેતો ’બાડા’નો પ્લાનિંગ આસિસ્ટન્ટને ઝડપી લીધો હતો, જયારે અમરેલીમાં બાકી બિલ મંજૂર કરવાના બદલામાં ઇરીગેશન વિભાગનો જુનિયર ક્લાર્ક અને પટ્ટાવાળો રૂૂ.51 હજાર ની લાંચ લેતા એ.સી.બી.ની ઝપટે ચડ્યા હતા તેમજ અમદાવાદમાં ટ્રાફિક ડ્યુટી ફાળવવાના માસિક ’હપ્તા’ની માંગણી કરનાર હોમગાર્ડ કમાન્ડન્ટ અને કોંપ્યુટર ઓપરેટર તેમજ હોમગાર્ડ જવાન સહીત ચાર સામે લાંચનો ગુનો નોંધાયો છે.

પ્રથમ કેસમાં ભાવનગર નજીક આવેલા શામપરા સિદસર ગામના એક ખેડૂતની જમીનને બિનખેતી માં ફેરવવા માટેની મંજૂરી આપવાના બદલામાં રૂૂ. 15 લાખની લાંચ માગવામાં આવી હતી. અંતે રૂૂ. 12 લાખમાં સોદો નક્કી થયો હતો. ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (’બાડા’) કચેરીના આઉટસોર્સિંગ પ્લાનિંગ આસિસ્ટન્ટ મિતુલ જગદીશભાઈ પાનસીણિયાએ ઉપરી અધિકારી પાસે ફાઈલ મંજૂર કરાવવાના નામે આ લાંચ માગી હતી. ખેડૂત લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.ની ટીમે સિહોર તાબાના ટાણા ચોકડી પાસે ગોઠવાયેલા છટકા દરમિયાન મિતુલ પાનસીણિયાને રૂૂ. 9 લાખનો પહેલો હપ્તો લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહીથી ’બાડા’ વિભાગમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

બીજા કેસમાં અમરેલીના બહુમાળી ભવન સ્થિત ઇરીગેશન કચેરીમાં પણ એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી હતી. કચેરીમાં વર્ષ 2025-26 દરમિયાન બાંધકામના કામો પૂર્ણ થયા બાદ કેટલાક બાકી બિલ તેમજ સામગ્રીના ટેસ્ટિંગના બિલ મંજૂર કરવાના બદલામાં જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટે અગાઉ ચૂકવાયેલી બિલની રકમના એક ટકા લેખે રૂૂ. 51,000 ની લાંચ માગી હતી. જો કે, લાંચની રકમ પોતે સ્વીકારવાને બદલે કરાર આધારિત પટ્ટાવાળા જયદીપ ચતુરભાઈ હરિયાણી મારફતે સ્વીકારવામાં આવતી હતી. એ.સી.બી.ના પી.આઈ. ડી.બી. ડાભી અને તેમની ટીમ દ્વારા ગોઠવાયેલા છટકા દરમિયાન પટ્ટાવાળાએ રૂૂ. 51,000 સ્વીકારતા જ એસીબીએ બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

ત્રીજા કેસમાં અમદાવાદના રખિયાલ-ગોમતીપુર સ્થિત ઇ-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાં પણ ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. ફળદાયી ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવવા માટે હોમગાર્ડ ડિવીઝન કમાન્ડર વિજયભાઈ બી. જાદવ, કમ્પ્યુટર ઓપરેટર પંકજભાઈ પરમાર અને અન્ય કર્મચારીઓ દ્વારા દર મહિને રૂૂ. 1,000 ના ’હપ્તા’ ની માંગણી કરવામાં આવતી હતી. હપ્તો નહીં આપનાર ફરીયાદીને ટ્રાફિક ડ્યુટીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ કેસમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસના રૂૂ. 2,000 ની લાંચ લેવાના પ્રકરણમાં એ.સી.બી. એ છટકું ગોઠવીને હોમગાર્ડ કર્મચારીઓ હર્ષમય સુર્યવંશી અને તુષાર લેઉવાને લાંચના નાણાં સ્વીકારતા સ્થળ પર જ ઝડપી લીધા હતા., હોમગાર્ડ ડિવીઝન કમાન્ડર વીજયભાઇ.બી. જાદવ, કોમ્પ્યુટર ઓપરેટર,પંકજભાઇ લલ્લુભાઇ પરમાર, હોમગાર્ડ જવાન હર્ષમય જશવંતભાઇ સુર્યવંશી અને તુષાર હસમુખ લેઉવા સામે ગુનો નોંધાયો છે.

આ ત્રણેય બનાવો સાબિત કરે છે કે સરકારી કચેરીઓમાં સામાન્ય પ્રજા કે કર્મચારીઓ પાસે કામ કઢાવવા માટે કેવા પ્રકારે લાંચ રૂૂશ્વતનું દૂષણ ફેલાયેલું છે. જો કે, એન્ટી કરપ્શન બ્યુરો ની સતર્કતા અને જાગૃત નાગરિકોના સહકારથી આ તમામ ભ્રષ્ટ કર્મચારીઓ પોતાના પ્લાનમાં સફળ થવાને બદલે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. આ તમામ ઘટનાઓથી સરકારી બેડામાં ભારે હડકંપ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *