ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો છે. રૂૂ. 1 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયેલા આ ઉચ્ચ અધિકારીની ઓળખ ગાંધીનગર મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર તથા ટેક્સ કલેક્ટર તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયા તરીકે થઈ છે. ત્યારે આટલા ઉચ્ચ હોદ્દા પર બેઠેલો અધિકારી લાંચના કેસમાં પકડાતા પ્રજામાં રોષ ફાટી નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, વાહનોના ઓથોરાઇઝ ડીલર પાસેથી ખરીદી-વેચાણનો વ્યવસાય કરતા એક વ્યક્તિએ એન્ટી કરપ્શન બ્યુરો (અઈઇ)માં ફરિયાદ નોંધાવી હતી કે, તેને વેચેલા એક વાહન સંબંધિત મહાનગરપાલિકામાં ટેક્સ ભરવા અંગે વિસંગતતા ઊભી થઈ હતી. આ મામલે ઇન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર તથા ટેક્સ કલેક્ટર તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયાએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી અને જો આ ફરિયાદ ન થવા દેવી હોય તે માટે તથા એજન્સીનું લાયસન્સ રદ ન કરવા બદલ રૂૂ. 1 લાખની લાંચની માંગણી કરી હતી.
આવી ફરિયાદના આધારે એસીબીએ એક ટ્રેપ પ્લાન કર્યો હતો અને આજે 20મી માર્ચે ઉપેન્દ્રકુમાર સુતરીયાની ઓફિસમાં જ ઉપેન્દ્રકુમાર સુતરીયાએ લાંચની રકમ સ્વીકારી હતી. એ જ સમયે અઈઇની ટીમે સ્થળ પર જ દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સાથે જ તપાસ દરમિયાન તેની પાસેથી રૂૂ. 1 લાખની લાંચની રકમ જપ્ત કરવામાં આવી હતી.
એસીબીએ હાલ ઉપેન્દ્રકુમાર સુતરીયા દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરવામાં આવી હોવાથી તેની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.
