ઉનાના સનખડા-સોંદરડી રોડ પર બાવળનું સામ્રાજ્ય: ગ્રામજનો ત્રાહિમામ, વાહનવ્યવહાર ઠપ્પ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા અને સોંદરડી ગામને જોડતા મુખ્ય ગ્રામ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. રસ્તાની બંને બાજુએ મોટા પ્રમાણમાં કાંટાળા બાવળ…

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા અને સોંદરડી ગામને જોડતા મુખ્ય ગ્રામ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. રસ્તાની બંને બાજુએ મોટા પ્રમાણમાં કાંટાળા બાવળ અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય ફેલાઈ જતાં રસ્તો એકદમ સાંકડો બની ગયો છે. પરિણામે સ્થાનિક લોકો અને વાહનચાલકોને રોજબરોજ અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે બંને ગામના ગ્રામજનોએ ભેગા મળીને પ્રાંત અધિકારી, ઉનાને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
સનખડાથી માલણ વિસ્તાર થઈને સોંદરડી ગામ તરફ જતો આ ગ્રામ્ય રસ્તો અનેક ગામો માટે જીવાદોરી સમાન છે. જોકે, છેલ્લા ઘણા સમયથી રસ્તાની યોગ્ય જાળવણી ન થવાના કારણે તેની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. રસ્તાની બંને બાજુએ બાવળ અને ગાંડા બાવળ એટલી હદે ફેલાઈ ગયા છે કે વાહનો સામ સામે પસાર થવા પણ મુશ્કેલ બની ગયા છે.

ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું કે, ઉનાળામાં તો માંડ માંડ અવરજવર થઈ જાય છે પરંતુ ચોમાસા દરમિયાન આ રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે. રસ્તા પર પાણી ભરાઈ જવાથી અને કાદવ-કીચડ થઈ જવાથી અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જાય છે. ખાસ કરીને પશુપાલકો, શાળાએ જતા વિદ્યાર્થી ઓ, દૂધ ભરતા વાહનો, 108 એમ્બ્યુલન્સ સેવા તેમજ ખેતીકામ માટે ટ્રેક્ટર લઈને જતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી.

સનખડા અને સોંદરડીના ગ્રામજનોએ સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે રસ્તાનો તાત્કાલિક સર્વે કરીને રસ્તા પર અને બંને બાજુએ ફેલાયેલી કાંટાળી વનસ્પતિ, બાવળ તથા ઝાડી-ઝાંખરા તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે.

રસ્તોપહોળો બનાવીને જરૂૂરી મેટલિંગ અને ડામરકામ કરીને તેનું સમારકામ કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન પણ લોકો સરળતાથી અને સુરક્ષિત રીતે અવરજવર કરી શકે આ કામ માટે જરૂૂરી ભંડોળની તાત્કાલિક ફાળવણી કરવામાં આવે અને ઉંઈઇ સહિતની જરૂૂરી મશીનરી કામે લગાડવામાં આવે.
આવેદનપત્રના અંતમાં ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો ચોમાસા પહેલા યુદ્ધના ધોરણે આ રસ્તાની મરામત અને સફાઈની કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો ચોમાસા દરમિયાન બંને ગામો સંપર્કવિહોણા બની જશે અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તંત્રની અવગણના ચાલુ રહેશે તો ગ્રામજનોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *