DNA સેમ્પલ સુરક્ષિત રાખવા હાઇકોર્ટનો હુકમ
ગુજરાત હાઈકોર્ટે કચ્છની એક 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાને 7 સપ્તાહના ગર્ભના અબોર્શન (ગર્ભપાત) માટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. હાઈકોર્ટે આ મામલે કડક નિર્દેશ આપતા જણાવ્યું છે કે, 3 વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ્સ અને 1 સાયકોલોજિસ્ટની વિશેષ તબીબી ટીમ પીડિતાના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરી, તેની સલામતીની ખાતરી કરીને તાકીદે ગર્ભપાતની સર્જરી પ્રક્રિયા પૂર્ણ કરે.
કચ્છની 14 વર્ષ અને 4 મહિનાની સગીર વયની દીકરી સાથે બનેલી દુષ્કર્મની ઘટના બાદ તેના પિતા દ્વારા હાઈકોર્ટમાં ગર્ભપાતની પરવાનગી માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી. પીડિતાનું અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા, જેના લીધે તે ગર્ભવતી બની હતી.
કોર્ટના અગાઉના આદેશ મુજબ જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્વારા સગીરાની તપાસ કરવામાં આવી હતી. તબીબી અહેવાલ અનુસાર પીડિતા હાલમાં 7 અઠવાડિયા અને 5 દિવસનો ગર્ભ ધરાવે છે અને તેનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (ખઝઙ) એક્ટ, 2021 ની માર્ગદર્શિકા અનુસાર સગીરાનો ગર્ભપાત કરવો તબીબી દ્રષ્ટિએ સુરક્ષિત હોવાનો અભિપ્રાય મળ્યા બાદ કોર્ટે આ મંજૂરી આપી છે. હોસ્પિટલ પ્રશાસનને પ્રી-ટર્મિનેશન અને પોસ્ટ-ટર્મિનેશનની તમામ સુવિધાઓ મફત પૂરી પાડવા અને પીડિતાના પરિવાર પાસેથી નિયમ મુજબનું બાંહેધરી પત્રક મેળવવા જણાવાયું છે.
ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલે તેને તમામ શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ આપવી પડશે. જો પીડિતાનો પરિવાર બાળકની જવાબદારી લેવા સક્ષમ ન હોય, તો રાજ્ય સરકારે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ તેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવી પડશે. આ ઉપરાંત, ભવિષ્યની કાનૂની કાર્યવાહી અને કોર્ટમાં મજબૂત પુરાવા માટે, ડોક્ટરોએ ગર્ભના પેશીઓના ઉગઅ (ડીએનએ) સેમ્પલ વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરીને તપાસ કરનાર પોલીસ અધિકારીને સુરક્ષિત રીતે સોંપવાના રહેશે.
