રાજકોટ તાલુકાના વિરડા વાજડી ગામે બાલાજી કંપની નજીક નદી કિનારે આજે સવારે માત્ર 7 દિવસની માસૂમ નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા આ અંગે તુરંત જ 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને મેટોડા 108 એમ્બ્યુલન્સના ઊખઝ મનીષા પરમાર અને પાયલટ રાહુલ કટારીયા કિંમતી સમય ગુમાવ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સ્થળ પર પહોંચીને 108ની ટીમે બાળકીની તપાસ કરતા તેની સ્થિતિ અત્યંત ગંભીર જણાઈ હતી. ખુલ્લામાં રહેવાને કારણે બાળકીનું તાપમાન ખૂબ જ ઘટી ગયું હતું અને તે હાઇપોથર્મિયા (Hypothermia)ની સ્થિતિમાં હોવાથી યોગ્ય રીતે રડી પણ શકી રહી ન હતી. આવી કટોકટીની સ્થિતિમાં ઇએમટી મનીષા પરમારે તબીબી સુઝબુઝ બતાવી તાત્કાલિક Newborn Resuscitation (NNR), બેબી કેર, બેબી ક્લીનિંગ અને ટેમ્પરેચર મેનેજમેન્ટ શરૂૂ કર્યું હતું. બાળકીને જરૂૂરી સ્ટીમ્યુલેશન આપતા જ તે રડવા લાગી હતી અને તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો.
પ્રાથમિક સારવાર આપી બાળકીની સ્થિતિ સ્થિર કર્યા બાદ તેને વધુ ગહન સારવાર અને તબીબી દેખરેખ માટે રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચીને બાળકીને સુરક્ષિત રીતે ડ્યુટી પરના તબીબી સ્ટાફને હેન્ડઓવર કરવામાં આવી હતી. 108 ની ટીમની ત્વરિત કટોકટી સંચાલન ક્ષમતા અને સમયસૂચકતાને કારણે એક માસૂમ નવજાત બાળકીનો જીવ બચી ગયો છે.
