‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયો

મહાનગરપાલિકાઓમાં ભાજપનો વોટ શેર 7 ટકા જેટલો વધ્યો , જિલ્લા પંચાયત – નગરપાલિકામાં આંશિક ઘટાડો આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપ…

મહાનગરપાલિકાઓમાં ભાજપનો વોટ શેર 7 ટકા જેટલો વધ્યો , જિલ્લા પંચાયત – નગરપાલિકામાં આંશિક ઘટાડો

આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને 2021ની સરખામણીમાં વોટ શેરમાં પછાડ્યા

એકમાત્ર નગરપાલિકામાં જ કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે બાકી તમામમાં 2021ની સરખામણીમાં ઘટ્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે મહત્વની બાબત એ છે કે હાલ જે રીતે મતદારોએ જનાદેશ આપ્યો છે તેની સાપેક્ષમાં રાજકીય પક્ષોના વોટ શેરમાં પણ ફેરબદલ થયો છે. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકામાં ભાજપ એ પોતાનું વોટ શેર વધાર્યો તો ગ્રામ્ય ચૂંટણીમાં ભાજપના વોટ શેરમાં આંશિક ઘટાડો પણ થયો છે. બીજી સૌથી મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટીના વોટ શેરમાં પણ તોતિંગ વધારો થયો છે જ્યારે કોંગ્રેસનો જનાધાર ધોવાયો છે. હાલ આવનારી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યનું પરિણામ અત્યંત મહત્વનો ભાગ ભજવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે વોટશેરના આંકડા સામે આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મજબૂત ગઢ જાળવી રાખ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બીજા ક્રમ માટે રસાકસી જોવા મળી રહી છે. શહેરી મતદારોમાં ભાજપ પર ખૂબ જ મજબૂત વિશ્વાસ દર્શાવ્યો છે. મહાનગરપાલિકાઓમાં ભાજપે લગભગ 59.36% વોટશેર સાથે પ્રચંડ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 26.46% પર વોટ જ મળ્યા છે. નોંધનીય છે કે, મહાનગરપાલિકા સ્તરે આમ આદમી પાર્ટીએ 10.27% વોટ મેળવીને શહેરી રાજકારણમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે.

નગરપાલિકાઓમાં ભાજપનો વોટશેર 52.51% રહ્યો છે. જ્યારે કોંગ્રેસે 30.68% વોટ મેળવીને મહાનગરપાલિકા કરતા સારું પદર્શન કર્યું. નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો વોટશેર 04.89% રહ્યો છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, નગરપાલિકાઓમાં અપક્ષ ઉમેદવારોએ 9.33% વોટ મેળવ્યા છે. આ વોટશેર દર્શાવે છે કે, સ્થાનિક પ્રશ્નો પર અપક્ષો પર પણ મતદારોએ ભરોસો મૂક્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો હંમેશા રાજ્યના રાજકારણની દિશા નક્કી કરતા હોય છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો, ગ્રામીણ મતદારોએ ભાજપ પર પોતાનો વિશ્વાસ યથાવત રાખતા પક્ષને 52.23% વોટ આપ્યા છે. જ્યારે કોંગ્રેસે અહીં પોતાની મજબૂતી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે, જે 33.07% વોટશેર સાથે બીજા ક્રમે રહી છે. જો કે, સૌથી વધુ ચોંકાવનારો દેખાવ આમ આદમી પાર્ટીનો રહ્યો છે. આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત સ્તરે 12.04% મતો મેળવીને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની મજબૂત એન્ટ્રી કરી છે. જ્યારે અપક્ષ ઉમેદવારોના ફાળે માત્ર 01.34% મતો ગયા છે.

તાલુકા પંચાયતમાં પણ ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે. ભાજપે તાલુકા પંચાયતમાં 51.00% વોટશેર મેળવીને અડધાથી વધુ મતદારોને પોતાની તરફેણમાં રાખ્યા છે. જ્યારે કોંગ્રેસે 32.89% મતો સાથે ભાજપને ટક્કર આપતી જોવા મળી રહી છે. તાલુકા સ્તરે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત કરતા પણ વધુ સારો દેખાવ કર્યો છે અને પાર્ટીએ 12.67% મતો મેળવ્યા છે. અહીં અપક્ષોએ પણ 03.03% વોટ મેળવીને પોતાનો પ્રભાવ બતાવ્યો છે.

વર્ષ 2021 ની સરખામણી વર્ષ 2026ની ચૂંટણી સાથે કરવામાં આવે તો મહાનગરપાલિકામાં ભાજપનો વોટ શેર 6.46 ટકા વધ્યો છે. જ્યારે જિલ્લા પંચાયત ની વાત કરવામાં આવે તો 2026માં ભાજપનો વોટ શેર 0.65 ટકા ઘટ્યો છે. નગરપાલિકાની વાત કરવામાં આવે તો પણ આ વખતે ભાજપનો વોટ શેર 0.01 ટકાનો ઘટાડો નોંધાયો છે જે ખૂબ જ આંશિક ઘટાડો કહી શકાય. ત્યારે તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તેમાં પણ ભાજપનો વોટ શેર 0.20 ટકા ઘટ્યો.

કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં 2021 ની સાપેક્ષમાં 2026 માં વોટ શેરમાં 0.29 ટકા ઘટ્યું છે, તો જિલ્લા પંચાયતમાં પણ 4.55 ટકા ઘટ્યો છે. જ્યારે નગરપાલિકામાં કોંગ્રેસનો વોટશેર 1.70 ટકા વધ્યો છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 5.14 ટકા ઘટ્યો.

એવી જ રીતે આમ આદમી પાર્ટી ની જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં વોટ શેરમાં 3.64 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પછાડી વોટ શેરમાં 9.81% નો વધારો નોંધાયો છે જે અત્યંત અકલ્પનીય છે જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને 0.75 ટકાનો ફાયદો થયો છે. તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસની સાપેક્ષમાં 10.11% નો વોટ શેર વધાર્યો છે. એકંદરે એ વાત સ્પષ્ટ થઈ છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની જોડણીમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત માં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને પરિણામ સ્વરૂૂપે 2021 ની સરખામણીમાં આ વખતે વોટ શેરમાં પણ ખૂબ વધારો થયો છે.

આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે, ગુજરાતનું ગ્રામીણ રાજકારણ હવે માત્ર બે પાર્ટી વચ્ચે સીમિત નથી રહ્યું, પરંતુ ત્રીજી પાર્ટીની હાજરી પણ નિર્ણાયક બની રહી છે. તમામ સ્તરે ભાજપે 50%થી વધુ વોટશેર જાળવી રાખીને પોતાની પકડ સાબિત કરી છે. બીજીતરફ કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ટકી રહી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં (32-33% વોટશેર) તેનો પ્રભાવ શહેરો કરતા વધુ છે. આમ આદમી પાર્ટીએ પંચાયતોમાં 12%થી વધુ વોટ મેળવીને સાબિત કર્યું છે કે, તે હવે માત્ર શહેરો પૂરતી સીમિત નથી, પરંતુ ગામડાઓમાં પણ પગપેસારો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *