કડદા પ્રથા આંદોલનના પ્રણેતાએ અચાનક જ મેદાન છોડતાં સ્થાનિક રાજકારણમાં સન્નાટો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને જબરો ફટકો પડયો છે. પાર્ટીના તોખાર ગણાતા નેતા રાજુ કરપડાએ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં ભારે સન્નાટો છવાઈ જવા પામેલ છે.
સુરેન્દ્રનગરના આપના નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજુ કરપડા વર્ષ 2021-22 દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારથી વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા હતા.
રાજુ કરપડાએ બોટાદ જિલ્લાના માર્કેટ યાર્ડોમાં કડદા પ્રથા સામે જલદ આંદોલન શરૂ કરી ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીને ખેડૂત આંદોલન માટે જબરૂ પ્લેટફોર્મ પુરૂ પાડયું હતું અને હળદડ ગામે યોજાયેલા આમ આદમી પાર્ટીના ખેડૂત સંમેલનમાં પથ્થરમારો સહિતની હિંસક ઘટનાઓ બન્યા બાદ રાજુ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને જેલ હવાલે કરી દેવાયા હતાં. તાજેતરમાં 108 દિવસ બાદ રાજુ કરપડા સહિતના આપના નેતાઓને જામીન મળ્યા હતાં અને ત્યારે પણ એક હિરોની માફક આપ દ્વારા રાજુ કરપડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
પરંતુ આજે સવારે અચાનક જ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેતાં પાર્ટીમાં સોંપો પડી ગયો છે. રાજુ કરપડાએ કયા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી પરંતુ તેણે અંગત કારણોસર રાજીનામુ આપ્યાનું જણાવ્યું છે. જો કે, કરપડાના રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા અને તર્કવિર્તકો શરૂ થયા છે. સરકારના દબાણમાં આવીને કરપડાએ રાજીનામુ આપ્યું હોવાનું આપના સુત્રો જણાવી રહ્યાં છે. જો કે, હાલ કોઈ વિગતો બહાર આવી રહી નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ગાજી રહી છે તેવા સમયે જ આ રાજીનામાથી આમ આદમી પાર્ટીને જબરો ફટકો પડયો છે.
