છેલ્લા કેટલાય મહિનાઓથી સળગતું અને ચર્ચાના કેન્દ્રમાં રહેલું ખેડૂત આંદોલન ગણતરીની મિનિટોમાં જ સમેટાઈ ગયું. જે આંદોલન બપોરે 3.30 વાગ્યા સુધી એકદમ પિક (ઉચ્ચ સ્તર) પર જોવા મળતું હતું, તે સાંજે 4.30 સુધીમાં તો સાવ વિખેરાઈ ગયું. આ અચાનક બદલાયેલા ઘટનાક્રમ પાછળ રાજકીય ખેંચતાણ અને બે પક્ષો વચ્ચેનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે.
આંદોલન વિખેરાયા બાદ રાજકારણ ગરમાયું છે. કિસાન કોંગ્રેસે સીધો આરોપ લગાવ્યો છે કે, આમ આદમી પાર્ટી (અઅઙ) ના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કર્યું છે. કિસાન કોંગ્રેસે પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ અને અઅઙ સિવાય જેને પણ આ આંદોલનમાં જોડાવું હોય તે જોડાઈ શકે છે. આમ છતાં, આંદોલનના દિવસે અનેક અઅઙ કાર્યકરો અને નેતાઓ મેદાનમાં સક્રિય જોવા મળ્યા હતા.
આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસના બેરીકેટ હટાવીને ખેડૂતોને ગાંધીનગર તરફ કૂચ કરવા માટે ઉશ્કેરવામાં મોરબી ’આપ’ ના નેતાઓ મોખરે જોવા મળ્યા હતા. અઅઙના જિલ્લા પ્રમુખ પંકજ રાણસરીયા ખેડૂતોને ઉશ્કેરીને ગાંધીનગર તરફ આગળ વધવા દબાણ કરતા કેમેરામાં કેદ થયા હતા. વિસાવદર તાલુકા પંચાયતના સદસ્ય અને અઅઙના નેતા ભદ્રેશ બાબરીયા પણ તેમની સાથે જ ઉશ્કેરણીજનક ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ સમગ્ર વિવાદ પર કિસાન કોંગ્રેસે પોતાની સફાઈ આપતા જણાવ્યું છે કે, તેઓ ખેડૂતોના હિત માટે લડી રહ્યા હતા, નહીં કે તેમને મુશ્કેલીમાં મુકવા. ભૂતકાળમાં હડદળમાં થયેલા કડદા કાંડ સમયે ખેડૂતો સામે જે રીતે પોલીસ કેસ થયા હતા અને ખેડૂતો હેરાન થયા હતા, તેવી સ્થિતિનું પુનરાવર્તન કિસાન કોંગ્રેસ બિલકુલ નહોતું ઈચ્છતું. તેઓ ખેડૂતોને પોલીસ સાથે કોઈ પણ પ્રકારના હિંસક કે કાયદાકીય સંઘર્ષમાં ઉતારવા માંગતા ન હોવાથી આંદોલનને શાંતિપૂર્ણ રાખવા મક્કમ હતા.
નોંધનીય છે કે, ખેડૂતોના હકના નામે શરૂૂ થયેલી લડાઈમાં જ્યારે બે રાજકીય પક્ષો પોતાની રોટલી શેકવા મેદાને પડ્યા, ત્યારે આંદોલનની દિશા ભટકાય ગઈ. આ જ કારણ છે કે કલાકો સુધી ગાજેલું આંદોલન માત્ર એક જ કલાકમાં (3.30 થી 4.30 વચ્ચે) સમેટાઈ ગયું અને ખેડૂતો નિરાશ થઈને પરત ફર્યા હતા.
‘આપ’ નો વળતો પ્રહાર: ’સભા અધવચ્ચે કેમ રાખી?’
સામે પક્ષે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસના આયોજન સામે સવાલો ઉઠાવ્યા છે. ’આપ’ ના નેતાઓનું કહેવું છે કે, જો આંદોલન ગાંધીનગર સુધી પહોંચાડવાનું હતું, તો ખેડૂતોને અધવચ્ચે રાખીને સભાનું આયોજન કેમ કરવામાં આવ્યું? ખેડૂતોને અધવચ્ચે અટકાવી દેવા પાછળ કોંગ્રેસની મથામણ શું હતી તેવા સવાલો પણ ઉઠ્યા છે.
