ગુજરાતમાં વિસાવદર ધારાસભાની બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ આ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનો કકળાટ સામે આવ્યો છે.
જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવાની છે. આ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ તેમનાં ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ કોની પસંદગી કરશે ? તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આ વચ્ચે AAP અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર કકળાટ શરૂૂ થયો છે. વિસાવદર પેટાચૂંટણીમાં ગઠબંધનને લઈ બંને પક્ષ વચ્ચે તૂતમેમે શરૂૂ થઈ છે. જણાવી દઈએ કે, વિસાવદરની ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ સાથે ગઠબંધન થયાનો આપનાં નેતા ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કહ્યું કે, AAP એ ચર્ચા કર્યા વિના જ ઉમેદવાર ઉતારી દીધા છે.
ગોપાલ ઈટાલિયાએ દાવો કરતા કહ્યું કે, વિસાવદરની ચૂંટણીમાં ગઠબંધનનું નક્કી હતું. વાવની પેટાચૂંટણી વખતે જ નક્કી થઈ ગયું હતું. વિશ્વાસ છે કે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. જ્યારે મનિષ દોશીએ કહ્યું કે, AAP એ ચર્ચા કર્યા વિના જ ઉમેદવાર ઉતારી દીધા છે. પહેલા ગમે તેમ બોલવું છે, હવે સહયોગ લેવો છે. ભાષાની મર્યાદા વિના AAP નાં નેતાઓ કોંગ્રેસ વિશે બોલે છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ નિર્ણય કરશે. પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે.
નોંધનીય છે કે, વર્ષ 2022 માં વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હર્ષ રિબડિયા અને આમ આદમી પાર્ટી દ્વારા ભૂપત ભાયાણીને ટિકિટ આપતા બંને વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં ભૂપત ભાયાણીએ જીત હાંસલ કરી ધારાસભ્ય બન્યા હતા. પરંતું, એક જ વર્ષમાં જ તેમણે રાજીનામું આપી દેતા બેઠક ફરી ખાલી થઈ હતી, જેથી હવે આગામી ટૂંક સમયમાં આ બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.
