ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડશે આમઆદમી

ત્રણ દિવસની સ્ક્રીનિંગ પ્રક્રિયા બાદ ઉમેદવારો જાહેર કરાશે: ઇસુદાન આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં…

ત્રણ દિવસની સ્ક્રીનિંગ પ્રક્રિયા બાદ ઉમેદવારો જાહેર કરાશે: ઇસુદાન

આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસુદાન ગઢવીની સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, મહામંત્રી રાકેશ હીરપરા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ 12000 સીટો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

તેના અનુસંધાને રાજ્યને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનમાં ઝોન ચૂંટણી સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં ઝોન પ્રમુખ, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર અને વિધાનસભા પ્રભારીઓ સહિતની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા 10 થી 15 તારીખ દરમિયાન 26 લોકસભા વિસ્તાર હેઠળ આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. તેના અનુસંધાને હવે એ-ગ્રેડ, બી-ગ્રેડ અને સી-ગ્રેડ પ્રમાણે ઉમેદવારો અંગે ચર્ચા શરૂૂ કરવામાં આવી રહી છે. આજથી સ્ટેટ ઇલેકશન કમિટી દ્વારા 16, 17 અને 18 તારીખ સુધી ત્રણ દિવસ સુધી જુદા જુદા ઝોનમાંથી આવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની તમામ સીટો પર પૂરજોશમાં ચૂંટણી લડશે. અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા અને ચૂંટણી લડવા માટે અનેક લોકો ઉત્સુક બન્યા છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ‘ઓપન ટુ ઓલ’ની પદ્ધતિ અપનાવી છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં ધારાસભ્યો અથવા નેતાઓના પરિવારજનોને જ તક મળતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકોમાંથી ઉમેદવારો પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. સમાજસેવકો, રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા છે અને તેમના પર પણ ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *