દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી અને ભાજપ સરકાર રચવા જઈ રહ્યો છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલનું શું થશે એ સવાલ પુછાઈ રહ્યો છે. કેજરીવાલે 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રી મારી હતી અને ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા. આ પૈકી સળંગ બે વાર તો ભવ્ય જીત સાથે મુખ્યમંત્રી બનીને દિલ્હી પર લગભગ એક દાયકો રાજ કર્યું. હવે ભાજપે ખેરાતો પર ખેરાતોનાં વચન આપીને આમ આદમી પાર્ટીને હરાવી પછી ઘણાંને કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું ભાવિ અંધકારમય લાગી રહ્યું છે. કેજરીવાલનો દાયકો પતી ગયો ને હવે કેજરીવાલ ફરી બેઠા નહીં થઈ શકે એવી વાતો પણ ચાલી રહી છે. આ વાતો સાચી પડશે કે નહીં એ સમય કહેશે પણ અત્યારે જે માહોલ છે એ જોતાં કમ સે કમ કેજરીવાલ માટે તો બહુ કપરો કાળ આવી જ ગયો છે તેમાં શંકા નથી.
કેજરીવાલની પાર્ટીને 2015 અને 2020ની સરખામણીમાં મોટો ફટકો પડ્યો છે એ સાચું પણ આપ સાવ ધોવાઈ નથી ગઈ એ પણ હકીકત છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી છે. એ જોતાં એ સાવ પતી ગઈ કે પતી જશે એમ કહેવું વધારે પડતું છે પણ ક્યાં સુધી ટકશે એ પણ સવાલ છે. આમ આદમી પાર્ટી પાસે અત્યારે 22 ધારાસભ્યો છે પણ ભાજ5 તેમાંથી કેટલાને ટકવા દે છે એ સવાલ છે. ભાજપ લોકશાહી મૂલ્યોની રક્ષા કરવાના બદલે તોડફોડ કરવામાં બહાદુરી સમજે છે તેથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પણ તોડવા પ્રયત્ન કરશે જ.
કેજરીવાલ, સિસોદિયા,સૌરભ અને સોમનાથ એ ચારેય ધુરંધરો હારી ગયા છે તેથી આપનું વહાણ આતિશીએ સાચવવાનું છે. આતિશી પોતે જીતવામાં સફળ રહ્યાં એ સારી વાત છે પણ તેમના નેતૃત્વની સાચી કસોટી હવે છે. બીજી તરફ કેજરીવાલનું ભાવિ હાલકડોલક છે એ સાવ સાચું છે. તેનું કારણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેજરીવાલ માટે બનાવેલો ફાંસલો છે. કેજરીવાલ પહેલેથી લિકર કેસમાં ફસાયેલા છે અને જેલની હવા ખાઈને માંડ માંડ જામીન પર બહાર આવ્યા છે ત્યાં તેમને ફરી જેલમાં મોકલવાનો તખ્તો તૈયાર જ છે.