આધારકાર્ડની સમસ્યા હલ: રોજ 800 ટોકન અપાશે

મહાનગરપાલિકાની આધારકાર્ડ સેવા ઘણા સમયથી ખોરવાઈ ગઈ છે. તેમાં પણ રેશનકાર્ડનું ઈકેવાયસીનું ભારણ વધતા છેલ્લા એક સપ્તાહથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગતી હોય…

મહાનગરપાલિકાની આધારકાર્ડ સેવા ઘણા સમયથી ખોરવાઈ ગઈ છે. તેમાં પણ રેશનકાર્ડનું ઈકેવાયસીનું ભારણ વધતા છેલ્લા એક સપ્તાહથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગતી હોય અફરા તફરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ મુદ્દે ઉપર સુધી ફરિયાદો થતાં અંતે કોર્પોરેશને ત્રણેય જોનલ કચેરી ખાતે આધારકાર્ડ કાઢવાની તમામ પ્રકારની કામગીરી માટે ટોકન સિસ્ટમ આજથી શરૂ કરી દીધી છે. જેના માટે ત્રણેય ઝોનલ ઓફિસ ખાતે એક સાથે 20 કિટ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


મનપાના આધારકાર્ડ કેન્દ્ર ખાતે છેલ્લા ઘણા સમયથી અરજદારોને લાઈનો લાગતા તેમજ રેશનકાર્ડ ઈકેવાયસીની કામગીરી માટે પણ અરજદારોનો ધસારો વધતા દરરોજ કેન્દ્ર ખાતે અફરાતફરી જોવા મળી રહી છે. જેના લીધે અરજદારોમાં ભારે રોષ સાથે ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના લીધે આજે ડે. કમિશનરે આ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી સવારથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે આવતા અરજદારોને સમય મુજબ લાભ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની સુચના આપી ટોકન સિસ્ટમ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી સેન્ટ્રલઝોન કચેરી ખાતે સાત કિટ તેમજ ઈસ્ટઝોન કચેરી ખાતે 6 કિટ અને વેસ્ટઝોન કચેરી ખાતે સાત કિટ સહિત 20 કિટ ઉપર ઓપરેટરો સાથે આધારકાર્ડની તમામ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથો સાથ વહેલા તે પહેલાના ધોરણે ટોકન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ અરજદારે આધારકાર્ડ કેન્દ્ર ખાતે પહોંચીને પ્રથમ ટોકન લેવાનું રહેશે. ત્રણેય ઝોનમાં એક કિટ દીઠ 30થી 40 ટોકન આપવામાં આવશે. જેનો પ્રારંભ આજે સેન્ટ્રલઝોન કચેરી ખાતેથી કરવામાં આવ્યો છે. આઝે સેન્ટ્રલઝોન કચેરીએ 140 અરજદારોને ટોકન ફાળવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ સમય હશે તો વધારાના અરજદારોને પણ ટોકનનો લાભ મળશે તેમ જણાવ્યું હતું.


આધારકાર્ડ કેન્દ્રની કાર્યવાહી સરળ બનાવવા માટે મહાનગરપાલિકાએ આજથી સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન ખાતે એક સાથે 20 કીટ ફાળવી ટોકન પદ્ધતિથી અરજદારોની સમસ્યા હળવી કરવાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા થોડા સમયથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે સમયસર કામો થતાં ન હોવાની અને કિટ કરતા વધુ અરજદારો આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આથી ડેપ્યુટી કમિશનરે નિર્ણય લઈ આજથી ટોકન સિસ્ટમ ચાલુ કરી છે. તેવી જ રીતે ત્રણેય ઝોનલ કચેરી ખાતે તેમને ફાળવવામાં આવેલ કિટ કામ કરતી હોવી જોઈએ તેવો નિયમ અમલમાં મુકી કિટ ખરાબ થાય તો તેના સ્થાને વધારાની કીટ મુકવા માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજથી ત્રણેય ઝોનલ કચેરી ખાતે 20 કીટથી કામ શરૂ કરાયું છે. આધારકાર્ડ વિભાગના જણાવ્યા મુજબ એક કિટ દીઠ 30થી 40 અરજદારોનું કામ થઈ શકે છે. આથી જો 20 કીટ આખો દિવસ કામ આપે તો 600થી વધુ અરજદારોનું આધારકાર્ડનું તમામ કામ થઈ શકશે અને આટલા અરજદારો દરરોજ આવતા ન હોય ફક્ત સોમવાર અને બુધવાર તથા રજાના દિવસો બાદ કચેરી ખુલે ત્યારે જ વધુ અરજદારો જોવા મળી રહ્યા છે. આમ આજથી આધારકાર્ડની કામગીરી ટોકન પદ્ધતિથી શરૂ કરવામાં આવેલ હોય અરજદારોએ નિરાતનો શ્ર્વાસ લીધો હતો.

ટોકનની મર્યાદા નક્કી કરાઈ : એક કિટ દીઠ 40 ટોકન અપાશે
મહાનગરપાલિકાએ આધારકાર્ડ કેન્દ્ર પર લાગતી લાઈનો અને તેમાં ખાસ કરીને લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો આવે ત્યારે કચેરીનો સમય પુરો થઈ જતોં હોય આ મુદ્દે વ્યાપેલો રોષ ખાળવા માટે આજથી ટોકન સુવિધા ઉભી કરવામાં આવી છે. એક કિટ દીઠ 40 ટોકનનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. આથી સેન્ટ્રલઝોન ખાતે 280, વેસ્ટઝોન ખાતે 280 અને ઈસ્ટ ઝોન ખાતે 240 અરજદારોને ટોકન આપવામાં આવશે ત્યાર બાદ આવનાર અરજદારને ટોકન મળશે નહીં અને તેઓએ બીજા દિવસે વહેલા તે પહેલાના ધોરણે ટોકન મેળવવાનું રહેશે આમ ત્રણેય ઝોનલ કચેરી ખાતે થઈ કુલ 20 કિટ કાર્યરત રહેશે જેના માટે કુલ 800 અરજદારોને એક દિવસમાં લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *