શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં અને નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં જે.કે.પાર્કમાં રહેતાં યુવાનનું આંચકીની બિમારી સબબ મૃત્યુ થયું હતું.
જાણવા મળતી વિગત મુજબ, ગાંધીગ્રામમાં શ્યામનગર પાસે આવેલા મિલન પાર્ક શેરી નં.2માં રહેતાં મયુર ખીમજીભાઈ વાઘેલા (ઉ.35) નામનો યુવાન આજે સવારે બાથરૂમમાં પડી જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક મયુર બે ભાઈમાં નાનો અને આર.એમ.સી.માં ભુગર્ભ ગટર વિભાગમાં કોન્ટ્રાકટ બેઈઝ પર નોકરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. વધુ તપાસમાં તેને દારૂ પીવાની કુટેવ હોય ગઈકાલે રાત્રે દારૂનો નશો કર્યા બાદ આજે સવારે બાથરૂમમાં જતાં પડી ગયો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જ્યારે બીજા બનાવમાં કોઠારીયા રોડ જે.કે.પાર્ક શેરી નં.2માં રહેતો ધર્મદીપસિંહ મનહરસિંહ જાડેજા (ઉ.24) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે બિમારી સબબ બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં મોટો અને ગાડી લે-વેચનું કામ કરતો હતો. તેને નાનપણથી જ તાવ આંચકીની બિમારી હોય જે બિમારી સબબ મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.
