કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયો

વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ…

વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ થયું હતું. ત્યાં ગત રાતે કુવાડવા નજીક માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે એકટીવા ચડી જતાં એક્ટીવા ચાલક ચુનારાવાડના યુવાનનું માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. મિત્રની રિક્ષા કુવાડવા પાસે બંધ પડી હોઇ આ યુવાન સહિત બીજા બે મળી ત્રણ મિત્રો અલગ અલગ વાહનમાં કુવાડવા મિત્રને મદદ કરવા જઇ રહ્યા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડ શેરી નં. 7માં રહેતો મહેશભાઇ લક્ષમણભાઇ બોળીયા (ઉ.વ.30) નામનો યુવાન ગત રાતે સાડા દસેક વાગ્યે એકટીવા હંકારીને રાજકોટથી કુવાડવા તરફ જતો હતો ત્યારે માલિયાસણ પાસે પહોંચતા એક ડમ્પર નં. જીજે03બીવાય-7370ની ઠોકરે ચડી જતાં ફંગોળાયા બાદ ડમ્પરની વચ્ચે આવી જતાં માથા પર જોટો ફરી વળતાં માથાનો છૂંદો બોલી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.

આ અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. પોલીસને જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના એન. એમ. શીરોડીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાનની ઓળખ અન્ય વાહનમાં પાછળ રહેલા તેના મિત્રોએ કરી હતી. મૃત્યુ પામનાર મહેશભાઇ રાજકોટ ચુનારાવાડમાં રહેતો હતો અને કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે એક બહેન અને ચાર ભાઈમાં બીજો હતો. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે.

સગાના કહેવા મુજબ મહેશભાઇના એક મિત્રની રિક્ષા કુવાડવા પાસે બંધ પડી ગઇ હતી. મિત્રનો ફોન આવતાં મહેશભાઇ તેને મદદ કરવા એક્ટીવા લઇ રવાના થયા હતાં. બીજા બે મિત્રો અન્ય એક વાહન પર હતાં. આ વખતે માલિયાસણ પાસે ડમ્પરની ઠોકર લાગતાં મહેશભાઇનું મૃત્યુ થયું હતું. પોલીસે ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *