માંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપી સિધિક સુમાર કુંભારે 36 વર્ષીય યુવાન આદિલ આધમ ખલીફાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવ્યાના બનાવથી ગઢશીશા ગામ અને…

પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપી સિધિક સુમાર કુંભારે 36 વર્ષીય યુવાન આદિલ આધમ ખલીફાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવ્યાના બનાવથી ગઢશીશા ગામ અને પંથકમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી છે. આજે સવારે ગઢશીશાના ઘાસડેપો પાછળ મફતનગર વિસ્તારમાં રાયમા કાસમ અલીમામદનાં મકાનમાં છેલ્લા લાંબા સમયથી ભાડે રહેતા મૂળ ગાંધીગ્રામના અને હેરકટિંગ સલૂન ચલાવતા આદિલની હત્યા મૂળ ભુજ અને છેલ્લા ઘણા સમયથી ગઢશીશા ખાતે છકડો રિક્ષા ચલાવતા સિધિક કુંભારે તેની પત્ની સાથે આદિલના આડા સંબંધ હોવાની શંકાને લઈને છરીના ઘા ગળા તથા છાતી અને પેટના ભાગે મારી હત્યા નીપજાવ્યાની ફરિયાદ આદિલના ભાઈ ઈમરાને ગઢશીશા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધાની વિગતો મળી છે.

મળેલી વિગતો મુજબ આ બનાવ સવારના 9:30 વાગ્યે બન્યો હતો. મરનાર આદિલ ખલીફાની પત્ની અને ત્રણ સંતાન વેકેશન ગાળવા માવિત્રે ગયા હતા અને આદિલ ખલીફા સવારના ભાગમાં મફતનગર વિસ્તારમાં આવેલા રાયમા કાસમ અલીમામદનાં મકાનમાં ભાડેથી રહેતો હતો ત્યાં સવારે પહોંચ્યો, ત્યારે આરોપી સિધિક કુંભારે ઘરની અંદર આંગણામાં જ હતો અને ગળાના ભાગ, પેટના ભાગ તથા આંખના ભાગમાં છરીના ઘા મારી નિર્મમ હત્યા નીપજાવી હતી.

આ બનાવની જાણ થતાં જ ગામના મુસ્લિમ સમાજના યુવાનો તથા આગેવાનો અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ બનાવની વિગતો જાણવા પ્રયાસ કર્યો હતો. બનાવ બાદ ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ અને માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, ગઢશીશા ઈન્ચાર્જ પો.ઈ. જે. જે. રાણા, માંડવી ઈ.પો.ઈ. સી.વાય. બારોટ તથા એલસીબી સ્ટાફ, ગઢશીશા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, અનિલભાઈ દેસાઈ, નવીનભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, ભીમજીભાઈ રબારી, ભરતભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ ચૌધરી, યુવરાજસિંહ સોઢા તથા ડ્રાઈવર હાર્દિક વ્યાસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. મદનજી પ્રસાદે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *