પાંચ વર્ષથી સાથે રહેતી મહિલા ચાર મહિનાથી અલગ રહેવા જતી રહી, અગાઉ કરેલ હુમલાનો બદલો લેવા મહિલાએ એક યુવક સાથે મળી કાસળ કાઢી નાખ્યું
રાજકોટમાં મકરસંક્રાંતિનો તહેવાર લોહિયાળ બન્યો હતો. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર યુવકને એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સે છરીના 18 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બનતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સરવૈયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.આ ઘટનામાં મૃતક યુવાન જે મહિલા સાથે લગ્ન વગર રહેતો હતો તે મહિલા અને તેની સાથેના એક શખ્સે આ હત્યા જૂની અદાવતમાં કર્યાનું ખુલ્યું છે.
આ ઘટનામાં હાલ બંનેને સકંજામાં લઇ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રહેતા સાવનભાઈ રમણિકપરી ગોસ્વામી નામના 45 વર્ષના આધેડને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા.જેથી લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જોકે, તબીબોએ તપાસી ગંભીર રીતે ઘાયલ આ યુવકને મૃત જાહેર કર્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર એમ.એમ.સરવૈયા અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.આ ઘટનામાં મૃતકના કાલાવડના નાની વાવડી ગામે રહેતા પિતા રમણિકપરી નારણપરી ગૌસ્વામી(ઉ.63)ની ફરિયાદ પરથી વર્ષાબેન ગોપાલભાઈ ગઢવી અને તેની સાથેના દર્શન ઉર્ફે ભુદેવ સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે હાલ બંનેને સકંજામાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે.
ફરિયાદી રમણીકપરીએ જણાવ્યું હતું કે,તેઓ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.મૃતક સાવન રખડતું જીવન જીવતો હતો અને તે વર્ષા સાથે લગ્ન વગર ઘનશ્યામ નગરમાં પાંચ વર્ષથી પતિ પત્નીની જેમ રહેતો હતો પરંતુ છેલ્લા ચારેક મહિનાથી બંને વચ્ચે મનમેળ ન આવતા બંને અલગ રહેતા હતા અને આ દરમિયાન સાવને ઝઘડો કરી વર્ષાને છરી ઝીંકી દીધી હતી અને મૃતક સાવન અવારનવાર પરેશાન કરતો હોય જેથી તેનો કાંટો કાઢી નાખવા માટે વર્ષાએ તેની સાથેના દર્શન ઉર્ફે ભુદેવ સહિતનાએ નકકી કર્યું હતું અને બાદમાં સાવન ગૌસ્વામીને સહકાર નગર મેઈન રોડ મેઘાણી નગરના ખુણા પાસે બપોરના સમયે છરીના આડેધડ 18 જેટલા ઘા ઝીંકી દેતા સાવન બેભાન થઈ ગયો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
દરમિયાન પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે,સાવનની જૂની અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી.વર્ષા અને તેની સાથેના દર્શન ઉર્ફે ભુદેવ નામના શખ્સે યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા.આ મામલે હાલ ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયા,એએસઆઈ નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે બંને આરોપીને સકંજામાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે.
