અવધના ઢાળ પાસે કેટરર્સના ધંધાની હરીફાઈમાં યુવકને છરીના ત્રણ ઘા ઝીંક્યા

આજે તો તને મારી જ નાખવો છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી,પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરમાં ધંધાની હરીફાઈમાં યુવક પર જીવલેણ…

આજે તો તને મારી જ નાખવો છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી,પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

રાજકોટ શહેરમાં ધંધાની હરીફાઈમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ રિપોર્ટ અનુસાર, આ ઘટના ગત બુધવાર, 13 મે 2026 ના રોજ મોડી રાત્રે આશરે એક વાગ્યાની આસપાસ રાજકોટ શહેરના અવધના ઢાળ પાસે આવેલી એક પાનની કેબીન નજીક ઘટી હતી. ભોગ બનનાર યુવક પીન્ટુ ઉર્ફે સચીન ઇન્દ્રસિંહ રાવ (ઉંમર 28), જે મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલ રાજકોટમાં રહીને કેટરિંગનું કામ કરે છે, તેના પર અન્ય કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સોએ સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ઘાતક હુમલો કર્યો હતો. આરોપીઓએ પીન્ટુને પોતાનો ધંધો સંકેલી લેવા માટે અગાઉ પણ ધમકી આપી હતી અને તે જ અદાવતમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ઘટનાની વિગત એવી છે કે, પીન્ટુ જ્યારે પાનની કેબીને ફાકી ખાવા ગયો હતો, ત્યારે આરોપી આસીફે તેને બૂમ પાડીને પાસે બોલાવ્યો હતો. આસીફે તેને ગાળો આપીને ધંધો બંધ કરી દેવા બાબતે ઝઘડો શરૂૂ કર્યો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓ બાઇક પર ત્યાં ધસી આવ્યા હતા, જેમાં પ્રતીક સોંદરવા નામના શખ્સે પીન્ટુને રીક્ષા તરફ ધક્કો માર્યો હતો. ત્યારબાદ આરોપી આસીફ અને ક્રિષ્નાએ પીન્ટુના બંને હાથ પકડી રાખ્યા હતા અને પ્રતીક સોંદરવાએ પીન્ટુના બેઠકના ભાગે છરીના ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. આરોપીઓએ તેને ’આજે તો તને મારી જ નાખવો છે’ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

હુમલા દરમિયાન ભોગ બનનાર પીન્ટુએ હિંમત દાખવીને આરોપીઓના ચુંગાલમાંથી હાથ છોડાવ્યા હતા અને પ્રતીકના હાથમાંથી છરી ઝૂંટવીને વળતા પ્રહારમાં પ્રતીકને પણ બેઠકના ભાગે પાંચેક ઘા મારી દીધા હતા. આ ઝપાઝપીમાં પીન્ટુને ડાબા હાથની આંગળીમાં પણ ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પીન્ટુનો પિતરાઈ ભાઈ સોહન ઉર્ફે સંજય રાણા ત્યાં આવી પહોંચતા તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

સંજય તાત્કાલિક પીન્ટુને રાજકોટ સરકારી હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ ત્યાં ઓપરેશન ન કરાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની ઈચ્છા હોવાથી, પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો તેને અમદાવાદની સત્યમેવ હોસ્પિટલ (ચાંદખેડા) ખાતે લઈ આવ્યા હતા, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે અમદાવાદની હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવતા, રાજકોટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.પી. ચૌહાણ અમદાવાદ ખાતે ફરિયાદ લેવા પહોંચ્યા હતા, જેના કારણે ફરિયાદ નોંધવામાં થોડો વિલંબ થયો હતો.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પ્રતીક સોંદરવા, આસીફ, ક્રિષ્ના અને અન્ય બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352, 351(3), 3(5) તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ હથિયાર બંધી જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની આગળની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રિષ્નાબેન કારેણાને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *