ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં લોકમેળામાં આવેલા એક પરપ્રાંતિય યુવાનને મોઢે મૂંગો દઈને મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, છ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ બિહાર રાજ્યના અરરિયા જિલ્લાના મીયાપુર ગામના મૂળ રહીશ અને હાલ અમદાવાદમાં રિલીઝ રોડ પર રહેતા અરબાબ મોજીઉ રહમાન શેખ નામના 42 વર્ષના મુસ્લિમ વેપારી યુવાન બુધવારે રાત્રે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં યોજાયેલા શિરેશ્વર લોકમેળામાં આવ્યા હતા. મધ્યરાત્રિના આશરે ચારેક વાગ્યાના સમયે કેટલાક શખ્સોએ તેમને મોઢે મૂંગો દઈ, અને જાનથી મારી નાખવાની ધમકી આપી, બીભત્સ ગાળો કાઢીને તેમના પેન્ટના ખિસ્સામાં રહેલો રૂા. 5,000 ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન તેમજ રૂૂપિયા 7,660 ની રોકડ રકમ લૂંટીને લઈ ગયા હતા. આમ, નવ જેટલા શખ્સો દ્વારા કુલ રૂા. 12,760 ના મુદ્દામાલની લૂંટ થયાના બનાવ સંદર્ભે ખંભાળિયા પોલીસે અરબાબ શેખની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને દ્વારકામાં રેલવે સ્ટેશન પાસે રહેતો સુજલ ઉર્ફે કાનો જેન્તી મહીડા, અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા રહેતો વિશાલ સીદુ માયાણી, જે.કે.વી. નગરમાં રહેતો મુસ્તુફા ઉર્ફે જીગો અલી બ્લોચ, ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો સચિન કરમણ ચોપડા, આ જ વિસ્તારમાં રહેતો કિશન ઉર્ફે પાંચો કાનજી બગડા અને ઓખા મઢી ગામનો ભાવેશ કનુ ચાસીયા નામના છ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે વડાલીયા સિંહણ ગામનો પિયુષ રાણા ચોપડા, ગુલાબ ટેકરી વિસ્તારમાં રહેતો મુસ્તાક ઉર્ફે બાગડો અબુ બુખારી અને ગાયત્રીનગરમાં રહેતો ફેજાન ડાડો નામના શખ્સોની પણ સંડોવણી ખુલવા પામી છે. જે અંગે પોલીસે છ આરોપીઓની અટકાયત કરી, અન્ય શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ પી.એસ.આઈ. યુ.કે. જાદવની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
