દ્વારકા નજીક આવેલા મેવાસા ગામે રહેતા વિપુલભા સમૈયાભા માણેક નામના 20 વર્ષના યુવાન સાથે ખંભો અડી જવા તેવી સામાન્ય બાબતે ધ્રાસણવેલ ગામના ઈશ્વરભા રાજેશભા વાઘા નામના શખ્સ સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપી ઇશ્વરભા રાજેશભાએ ફરિયાદી વિપુલભાને ઢીકાપાટુનો માર મારી, છરી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
કાર સાથે અકસ્માત સર્જી, યુવાન પર હુમલો
ખંભાળિયા તાલુકાના તરઘડી દેવરીયા ગામે રહેતા દોલુભા પંચાણજી જાડેજા નામના 46 વર્ષના યુવાન ગુરુવારે રાત્રિના સમયે તેમની સ્વીફ્ટ મોટરકાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર દેવળિયા ગામ નજીક પહોંચતા અન્ય એક વાહનમાં આવી રહેલા બ્રિજરાજસિંહ ગુલાબસિંહ જાડેજા નામના યુવાન ફરિયાદીની સ્વીફ્ટ મોટરકારને ઓવરટેક કરતાં તેમની સ્વીફ્ટ કારને નુકસાની પહોંચાડી હતી.
આથી ફરિયાદી દોલુભાએ બ્રીજરાજસિંહને સમજાવવા જતાં આરોપી બ્રિજરાજસિંહએ ઉશ્કેરાઈને તેમનો બીભત્સ ગાળો કાઢીને માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
