મિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યું

વાવડી રોડ પર રાત્રે ખેલાયો ખૂની ખેલ, રોકડ અને મોબાઇલની લૂંટ થયાનું જણાવી પોલીસને ધંધે લગાડી પ્રયાગરાજમાં પુત્રની રાહ જોતા પરિવારને મોતના સમાચાર મળતા શોક…

વાવડી રોડ પર રાત્રે ખેલાયો ખૂની ખેલ, રોકડ અને મોબાઇલની લૂંટ થયાનું જણાવી પોલીસને ધંધે લગાડી

પ્રયાગરાજમાં પુત્રની રાહ જોતા પરિવારને મોતના સમાચાર મળતા શોક છવાયો, પોલીસે સમગ્ર ઘટનાનો કર્યો પર્દાફાશ

રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગત રાત્રિએ વાવડી રોડ વિસ્તારમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. શહેરના વાવડી રોડ પર આવેલી ફાલ્કન કંપની નજીક રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની એવા 21 વર્ષીય સંતોષકુમાર મદનલાલ જમાર પર ત્રણ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હોવાનું જાહેર કરાયું હતું. આ ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે સંતોષકુમાર પર હુમલો થયો તે સ્થળની નજીક જ એક ખાડામાંથી અન્ય એક યુવાનનો ઈજાગ્રસ્ત દેહ મળી આવ્યો હતો, જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના લૂંટ વિથ મર્ડર હોવાની આશંકા વચ્ચે હવે પ્રેમ પ્રકરણનો ફણગો ફૂટતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવાને જ તેના મિત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સંતોષકુમારે જાહેર કર્યું હતું કે, વાવડી વિસ્તારમાં એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો. તે પોતાના વતનમાં જવા માટે તૈયાર થયો હતો અને કંપનીમાંથી 17 હજાર રૂૂપિયાનો ઉપાડ પણ કરી લીધો હતો. બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો એવો સંતોષકુમાર રાત્રિના સમયે પુનિતનગર સર્કલ પાસે હતો ત્યારે મામા સાહેબના મંદિર નજીક બાઈક પર ટ્રિપલ સવારીમાં આવેલા ત્રણ શખ્સોએ તેને આંતર્યો હતો. લૂંટારુઓએ સંતોષ પાસે રહેલા પૈસાની માંગણી કરી હતી, પરંતુ સંતોષે પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેને છરીના ચારેક જેટલા ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો સંતોષ પાસેથી 20 હજારની રોકડ અને તેનો મોબાઈલ ફોન લૂંટીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં સંતોષને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ લૂંટની ઘટનાની તપાસ ચાલી રહી હતી ત્યાં જ પોલીસને વધુ એક આંચકો લાગ્યો હતો. જ્યાં સંતોષ પર હુમલો થયો હતો તેની નજીક જ વાવડી પોલીસ ચોકી પાસે આવેલા એક ખાડામાંથી અંદાજે 32 વર્ષના એક અજાણ્યો યુવાન મળી આવ્યો હતો.

પોલીસ અને 108ની ટીમ દ્વારા આ યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા એસીપી ચૌધરી, રાજકોટ તાલુકા પોલીસના પીઆઈ એસ.આર. મેઘાણી અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. શરૂૂઆતમાં આ અજાણ્યા યુવાનની ઓળખ થઈ શકી નહોતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંતોષકુમારે આ યુવાનને ઓળખી બતાવતા મામલો વધુ સ્પષ્ટ થયો હતો.

આ શંકાસ્પદ ઘટનામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી ઘવાયેલા સંતોષકુમારની પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને મિત્રની પોતે જ હત્યા કરી હોવાનું કબુલી લીધું હતું. આ હત્યા પાછળ મોબાઈલ ફોન અને પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિનેશ ચૌહાણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયો છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તેને કેટલી ગંભીર ઈજાઓ હતી અને મોતનું ચોક્કસ કારણ શું છે.

બંનેએ કાલે દારૂની પાર્ટી કરી હતી
વાવડીમાં રહેતા સંતોષકુમાર અને દિનેશ નામના બે મિત્રો વતને જવા માટે રૂૂમ પરથી દારૂૂ પીને રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં લૂંટારું ટોળકીએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. આ હિંસક હુમલામાં ગંભીર ઇજાઓથી દિનેશનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સંતોષ કુમારને છરીના ચાર ઘા વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

બંને મિત્રો વતનમાં જવા નીકળે તે પહેલાં કપડાંની ખરીદી કરવા ગયા હતા
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંતોષકુમારે પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે મૃતક યુવાનની ઓળખ દિનેશ ચૌહાણ (ઉ.વ. 30) તરીકે આપી હતી. સંતોષે જણાવ્યું કે, તે અને દિનેશ બંને સાથે જ વતન પ્રયાગરાજ જવાના હતા. વતન જતા પહેલા બંને મિત્રોએ સાથે મળીને નવા કપડાંની ખરીદી પણ કરી હતી અને રાત્રે બંને સાથે જ રેલવે સ્ટેશન જવા માટે રૂૂમ પરથી નીકળ્યા હતા. રસ્તામાં જ લૂંટારુ ટોળકીનો સામનો થયો હતો અને પૈસાની માથાકૂટમાં લૂંટારુઓએ હુમલો કર્યો હતો. જે મિત્ર સાથે વતને હર્ષોલ્લાસ સાથે જવાનું હતું, તે મિત્રની લાશ જોઈ સંતોષ ભાંગી પડ્યો હતો.

પ્રેમ પ્રકરણ મામલે બન્ને મિત્રો વચ્ચે માથાકુટ થયાની શંકા
રાજકોટમાં બનેલી આ ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ પણ એક્શનમાં આવી છે. પીઆઈ ગોંડલીયા, પીઆઈ ડામોર, પીઆઈ જાદવ અને પીએસઆઈ ડી.પી. ઝાલા સહિતના અધિકારીઓએ ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂૂ કર્યા છે. જોકે, પ્રાથમિક તપાસમાં જે બાબત લૂંટ વિથ મર્ડર લાગતી હતી, તેમાં પોલીસની ઉંડાણપૂર્વકની પૂછપરછમાં એવી વિગતો બહાર આવી રહી છે કે આ લોહીયાળ હુમલા પાછળ યુવતી સાથેના પ્રેમ પ્રકરણ જવાબદાર હોઈ શકે છે. હાલ તપાસમાં જાણવા મળ્યું છે કે, સંતોષકુમાર અને દિનેશ વચ્ચે યુવતી સાથેના પ્રેમપ્રકરણ મામલે માથાકુેટ થઈ હતી અને ગઈકાલે બન્ને મારામારી પર ઉતરી આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *