શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા 25 વારીયા ક્વાર્ટરમાં રહેતાં વીસ વર્ષના યુવાને ડીશ-વાસણ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતું લિક્વીડ પી લેતાં ઝેરી અસર થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ 25 વારીયામાં રહેતાં વિક્કી જેન્તીભાઇ બાવરીયા (ઉ.વ.20) નામના યુવાને 14મીએ બપોરે અઢી વાગ્યા આસપાસ ઘરે હતો ત્યારે ડીશ સાફ કરવા માટેનું લિક્વીડ પી લેતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું આજે વહેલી સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર વિક્કી ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ અને અપરિણીત હતો. તેને માનસિક બિમારી હોઇ તેની દવા પણ ચાલુ હતી.
બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું. તેના પિતા જેન્તીભાઇ છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બીજા બનાવમાં શાપર વેરાવળમાં રહેતી અને નર્સિંગ હોમકેરનું કામ કરતી તરૂણાબેન ડાયાભાઈ ધોરીયા નામની 20 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે છેલ્લા ચાર દિવસથી ઉંઘ નહીં આવતાં ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં
આવી હતી.ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
