અન્ય યુવાનોએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ હાથ છૂટી જતા યુવાન પાણીમાં ગરક થયો
શાપર-વેરાવળના એક યુવાનનું ગોંડલના સુપ્રસિદ્ધ વેરી પીર નજીક આવેલા ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત થયું છે. ફાયર વિભાગે 18 કલાકની ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ગઈકાલે બપોરે લગભગ 3.30 વાગ્યે, શાપર-વેરાવળના ગોવિંદનગર શેરી નંબર-9 માં રહેતા ભરત ઈશ્વરભાઈ રાઠોડ અને તેનો મિત્ર ભરત ડાયાભાઈ રાઠોડ ગોંડલના વેરી પીર પાસે ડેમમાં ન્હાવા ગયા હતા.
ન્હાતી વખતે ભરત ઈશ્વરભાઈ રાઠોડ ટ્યુબ લઈને પાણીમાં ઉતર્યો હતો. પાણીની વચ્ચે તે ટ્યુબમાં ઊભો થવા જતાં અચાનક ટ્યુબ ઊંધી વળી ગઈ હતી. ટ્યુબ પલટાઈ જતાં ભરત ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો. ત્યાં હાજર અન્ય યુવકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીની ઊંડાઈ વધુ હોવાથી ભરતનો હાથ છૂટી ગયો અને તે લાપતા થયો.
ઘટનાની જાણ થતાં જ કોટડા સાંગાણી 108ની ટીમ અને ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર વિભાગના તરવૈયાઓએ આધુનિક સાધનોની મદદથી શોધખોળ શરૂૂ કરી. સેન્સર કેમેરા, લોખંડના હૂક (મીંદળી) અને રેસ્ક્યુ બોટ (હુડકું) જેવા સાધનોનો ઉપયોગ કરીને તળાવના ઊંડા પાણીમાં સતત 18 કલાક સુધી શોધખોળ ચાલી હતી. આખરે ફાયર ટીમે યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો.
મૃતક ભરતનો પરિવાર અગાઉ શાપરમાં મજૂરી કરતો હતો અને બે વર્ષ પહેલાં અમદાવાદ સ્થાયી થયો હતો. એક મહિના પહેલાં જ તેઓ ફરી શાપર રહેવા આવ્યા હતા. ભરત બે ભાઈઓમાં નાનો હતો અને તેના પરિવારમાં માતા, એક મોટી બહેન અને ભાઈનો સમાવેશ થાય છે. આ ઘટનાથી શાપરના ગોવિંદનગર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.
યુવાનના મૃતદેહને બહાર કાઢીને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
