શહેરમાં ભગવતીપરામાં રહેતાં યુવાને સંબંધના નાતે મકાન લેવા આપેલા રૂા.70 હજાર પરત નહીં મળતાં યુવાને ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ભગવતીપરામાં રહેતાં કૃણાલ રિતેશભાઈ મલસાતર નામનો 21 વર્ષનો યુવાન સાંજના સમયે પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં કૈલાસભાઈ નામના વ્યક્તિને મકાન લેવા રૂા.70 હજાર એક વર્ષ પહેલા આપ્યા હતાં. જે કૈલાસભાઈ હાલ ફોન રિસીવ કરતાં ન હોવાનું અને રૂપિયા પરત નહીં આપતાં હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય બનાવમાં જુદા જુદા સાત સ્થળે પરિણીતા સહિત સાત લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૈયાધાર વિસ્તારમાં રોજીબેન રોહિતભાઈ પરમાર નામની 24 વર્ષની પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ મથક સામે ટેન્શનમાં એસિડ પી લીધું હતું, આજી ડેમ ચોકડી પાસે માનસરોવરમાં રહેતાં બબ્લુ ધીરૂભાઈ સોલંકી (ઉ.25)એ પત્ની શિતલબેન છેલ્લા છ મહિનાથી બીજા સાથે ભાગી જતાં એસિડ ગટગટાવી લીધું હતું. વૈશાલીનગરમાં રહેતી આશાબેન મુકેશભાઈ આદીવાસી નામની 25 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. કોઠારીયા ગામે આવેલી જીવનકિરણ સોસાયટીમાં રહેતાં મનીષ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.30) અને કોઠારીયા રોડ પર આશાપુરા સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઈ નાથાભાઈ ડાભી (ઉ.45)એ પોતપોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધું હતું. જ્યારે રૈયાગામ વિસ્તારમાં આવેલ સંકલ્પ હાઈટસમાં રહેતાં મહેન્દ્રભાઈ મોહનભાઈ ઓઝા નામના 66 વર્ષના વૃધ્ધે મગજ ભમતો હોવાથી ઝેરી દવા પી લીધી હતી. ઝેરના પારખા કરનાર પરિણીતા સહિતનાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
