શહેરના નાણાવટી ચોક પાસે આવેલા જાહલ કોમ્પ્લેક્ષ વાળી શેરી શાહનગર શેરી નં.3માં રહેતાં મુળ કલ્યાણપુરના કેનેડી ગામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. યુવાને એકલવાયુ જીવનથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.
વધુ વિગતો મુજબ, શાહનગરમાં રહેતાં અને મુળ કેનેડી ગામના જયેશભાઈ પ્રેમજીભાઈ સોનાગરા (ઉ.35) નામના યુવાન રાજકોટના બાલાજી વેફર્સમાં નોકરી કરતાં હતાં. તેઓએ ગઈકાલે સાંજના સમયે પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાઈ લેતાં 108ના તબીબ નિલમબેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં. આ ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મીહીરભાઈ બારડ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને પોતે બે મહિનાથી અહિં રૂમ રાખીને રહેતાં અને બાલાજી વેફર્સમાં કામ કરતાં હતાં. પોતે બે ભાઈ બે બહેનમાં બીજા નંબરનાં હતાં. તેમજ તેઓએ એકલવાયુ જીવનથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
