તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપ્યો
હળવદના સ્વામિનારાયણ નગરમાં રહેતા 35 વર્ષીય યુવાન ઘનશ્યામભાઈ પ્રાગજીવનભાઈ રાઠોડનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે. તેઓ પોતાની વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાણી પીવા જતાં પગ લપસી પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘનશ્યામભાઈ રાઠોડ કોઇબા ગામની સીમમાં ખેતીકામ કરતા હતા. તેઓ મોટરસાયકલ પર પોતાની વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન હળવદ પાસેથી પસાર થતી મોરબી નર્મદા કેનાલ, રાતકડી પાસે તેઓ પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યા હતા.પાણી પીવા ઉતરતી વખતે અચાનક તેમનો પગ લપસી ગયો અને તેઓ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનો અને સગાંસંબંધીઓ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા.
હળવદ તાલુકાના ટીકર ગામના તરવૈયાની ટીમ, જેમાં ધર્મેન્દ્રભાઈ પટેલ અને ગણેશભાઈ પટેલનો સમાવેશ થાય છે, તેમણે એક કલાકની જહેમત બાદ ઘનશ્યામભાઈનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.આ ઘટનાની જાણ હળવદ પોલીસને થતાં બીટ જમાદાર શક્તિસિંહ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
