શહેરના કાલાવડ રોડ પર આવેલ લક્ષ્મીના ઢોળા વિસ્તારમાં રહેતા એક યુવાને પાડોશી સાથે થયેલી બોલાચાલી બાદ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ,લક્ષ્મીના ઢોળા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ કેશુભાઈ વરમોરા (ઉં.વ. 33) નામના યુવાને ગત રાત્રે પોતાના ઘરે ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મહેન્દ્રભાઈને તેમના પાડોશી સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો.આ વિવાદથી વ્યથિત થઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.
મહેન્દ્રભાઈ વ્યવસાયે ડ્રાઈવિંગનું કામ કરે છે અને પરિવારમાં તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. યુવાનની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલ પહોંચી યુવાનનું નિવેદન નોંધ્યું હતું અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
