શાપર-વેરાવળમાં રહેતો યુવાન કોટડાસાંગાણીના પિપલાણા ગામે કારખાનામાં કામ કરતો હતો ત્યારે ક્રેઈનની ગડર અકસ્માતે તુટી માથે પડી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં રહેતો મોહિત ચમનભાઈ સોલંકી નામનો 28 વર્ષનો યુવાન કોટડાસાંગાણીના પીપલાણા ગામે આવેલ રવિ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે ક્રેઈનની ગડર તુટી પડી હતી. જેમાં મોહિત સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીના ઉંચા માંડલ ગામે કારખાનામાં કામ કરતાં બુલેટ શેખાવતભાઈ ચૌહાણ નામના 25 વર્ષના બિહારી યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
