વડોદરામાં આગામી 13 ઓગસ્ટથી શરૂૂ થતાં દશામાના પવિત્ર વ્રત નિમિત્તે શહેરમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દશામાની આગમન યાત્રાઓ ધામધૂમથી શરૂૂ થઈ ચૂકી છે. આ જ ઉત્સવના માહોલ વચ્ચે ગઈકાલે મોડી સાંજે ન્યાયમંદિરથી ખંડેરાવ માર્કેટ તરફ જઈ રહેલી એક ભવ્ય શોભાયાત્રામાં અકસ્માત સર્જાયો હતો, જ્યાં ઉત્સાહમાં આગના સ્ટંટ કરી રહેલો એક યુવક અચાનક આગની લપેટમાં આવી ગયો હતો.
પરંપરાગત વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં કેટલાક યુવાનો દ્વારા જોખમી ફાયર સ્ટંટ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા હતા. સ્ટંટ દરમિયાન અચાનક ભડકો થતાં એક યુવાન અગ્નિની ચપેટમાં આવી ગયો હતો, જેના કારણે યાત્રામાં ક્ષણભર માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આ ગંભીર પરિસ્થિતિમાં યાત્રામાં હાજર શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોની સતર્કતા અને સમજદારીપૂર્વક લીધેલા પગલાંના કારણે આગ પર તરત જ કાબૂ મેળવી લેવાયો હતો, જેથી યુવકને મોટી જાનહાનિમાંથી આબાદ ઉગારી લેવાયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતાં ઉપસ્થિત લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
