નાગ સાથે રમત કરવાનુ અનેક લોકોને ભારે પડયુ હોવાની અનેક ઘટનાઓ ઘટી છે. ત્યારે વધુ એક બનાવમા માળીયા મિયાણાના ચીખલી ગામે ખેત મજુરી કરતા યુવાને દારૂના નશામા નાગ પકડી ખેલ માંડયો હતો. જે દરમિયાન નાગે યુવકની જીભ પર ડંખ માર્યો હતો. યુવકનુ ઝેરી અસરથી મોત નિપજતા શ્રમીક પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ છોટા ઉદેપુરના વતની અને હાલ માળીયા મિયાણાના ચીખલી ગામે ખેત મજુરી કરતા લાલસિંગ ગુલીયાભાઇ નાયકા નામનો 35 વર્ષનો યુવાન સવારના દશેક વાગ્યાના અરસામા વાડીએ હતો ત્યારે ઝેરી જનાવરે ડંખ માર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે મોરબી ખસેડવામા આવ્યો હતો જયા તેની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો. જયા યુવકનુ મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમા મૃતક લાલસિંગ નાયકા બે ભાઇ એક બહેનમા નાનો હતો અને તેને સંતાનમા બે પુત્ર અને બે પુત્રી છે. લાલસિંગ નાયકા દારૂના નશામા વાડીએ હતો ત્યારે નાગ નીકળતા લાલસિંગ નાયકાએ દારૂના નશામા નાગને પકડી લીધો હતો અને મોઢા સામે રાખી નાગ સામે જીભ કાઢી ખેલ માડયો હતો. દારૂના નશામા નાગ સાથે રમત કરવાનુ ભારે પડયુ હોય તેમ નાગે લાલસિંગ નાયકા એ જીભ બહાર કાઢતા જ જીભ પર ડંખ મારતા મોત નિપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
