જામનગરમાં ઝારખંડના ઇજનેર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગર શહેરના કે.વી. રોડ વિસ્તારમાં આવેલી સિદ્ધનાથ બિલ્ડિંગ સ્થિત શ્રીજી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ઝારખંડના 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી…

જામનગર શહેરના કે.વી. રોડ વિસ્તારમાં આવેલી સિદ્ધનાથ બિલ્ડિંગ સ્થિત શ્રીજી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ઝારખંડના 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી છે. મૃતક સરકારી શાળાઓમાં લેબોરેટરી સંબંધિત કામગીરી માટે જામનગર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસમાં નોંધાયેલી માહિતી મુજબ ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના ડોલાયચામુંડાગામના રહેવાસી રાહુલકુમારસિંહ નકુલસિંહ (ઉંમર 23 વર્ષ) હાલ કે.વી. રોડ પર આવેલી સિદ્ધનાથ બિલ્ડિંગના શ્રીજી ગેસ્ટ હાઉસના રૂમ નંબર-312માં રહેતા હતા. તેમણે કોઈપણ કારણોસર રૂમમાં છતના પંખા સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. તબીબે તપાસ કરતાં રાહુલકુમારસિંહનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતક સાથે જ રહેતા અને કામ કરતા રૂપેશ ઉપેન્દ્ર મંડલ (રહે. ગજહારગામ, તાલુકો ત્રિવેણીગંજ, જિલ્લો સુપોલ, બિહાર) એ પોલીસમાં જાણ કરી હતી. તેમની જાણના આધારે જામનગર સિટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે મૃતકના પરિવારજનોને ઝારખંડ ખાતે જાણ કરી છે, અને તેઓ જામનગર આવવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોના નિવેદન તથા અન્ય તપાસ બાદ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવી શકે તેવી શક્યતા છે. બનાવ અંગે સિટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે. વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *