સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતી મહિલા રિક્ષામાં બેસીને જઈ રહી હતી ત્યારે રિક્ષા લીંબડી પાસે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વઢવાણમાં રહેતી હસીનાબેન યુસુફભાઈ પરમાર નામની 42 વર્ષની પરિણીતા બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફારુકભાઈની રિક્ષામાં બેસી લીંબડી અને અંકેવાડીયા વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે રીક્ષાચાલકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી હસીનાબેન પરમારને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં મૂળ રાજસ્થાનના વતની રૂૂખારામ ભીખારામ બેનીવાલ નામના 45 વર્ષના પ્રૌઢ ગઈકાલે રાજકોટમાં ગોંડલ હાઇવે ઉપર શાપર નજીક બપોરના સમયે અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ મૂળ રાજસ્થાનના વતની હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે રૂૂખારામ બેનીવાલ ટ્રક ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે રૂૂખારામ બેનીવાલ રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવવા અકસ્માત સર્જાયો હોવાની શંકા સેવાઈ રહી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.